અમદાવાદ : બુધવારની વહેલી સવાર 9 પરિવારના લોકો માટે કાળમુખી સવાર સાબિત થઈ હતી. આ તમામ પરિવારના લોકને પોતાના વ્હાલસોયા પુત્રને ગુમાવવો પડ્યો છે. ઇસ્કોન બ્રિજ પર થાર અને ટ્રક અકસ્માત થયો હતો. જ્યાં તેની બચાવ કામગીરી માટે ઉભેલા અન્ય લોકોને એક બેફામ આવતી કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.
શું બોલ્યો તથ્ય ? અમદાવાદ પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા પિતા-પુત્રને સાથે રાખીને ઘટનાસ્થળે અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તથ્ય પટેલે પોતાની બેફામ ડ્રાઇવિંગથી કારની ટક્કરે 9 જેટલા લોકોના જીવ લીધા હતા. ત્યારે પોલીસ સમક્ષ તેને અકસ્માત અંગેની કબૂલાત પણ કરી હતી. તથ્ય પટેલે કબૂલ્યું હતું કે, મારી ગાડી 120 ની સ્પીડમાં હતી. પરંતુ આગળ શું ઘટના બની હતી તેની મને જાણ ન હતી.
કારમાં બીજું કોણ હતું ? ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સમયે આરોપી તથ્યની સાથે અન્ય પાંચ વ્યક્તિ પણ ગાડીમાં હાજર હતા. આ તમામ નબીરાઓ રાતના 10 વાગ્યાની આસપાસ તેના મિત્ર સાથે મહંમદપુરા રોડ પર આવેલ કોફી શોપ ગયા હતા. હંમેશાની જેમ તેઓ કાર પુરપાટ ઝડપે ચલાવી રહ્યા હતા. પરંતુ અકસ્માત બાદ પાંચેય આરોપી ફરાર થઈ ગયા હતા. આ વ્યક્તિઓમાં ત્રણ યુવતી અને બે યુવક સામેલ છે. જોકે, અકસ્માત બાદ કારમાં સવાર અન્ય ફરાર વ્યક્તિઓ આર્યન પંચાલ, સાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ મોડી સાંજે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ત્યારે પોલીસ દ્વારા તમામ ઘટનાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે.