ગાંધીનગર: કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાની વાત કરવામાં આવે તો, ચોમાસાને ધ્યાનમાં લઈને તમામ શહેર અને જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા અને સુજલામ સુફલામ યોજના કે જે 31 તારીખે પૂર્ણ થશે તેની પણ સમીક્ષા કરવામાં આવશે.
પ્રી મોન્સૂન કામગીરી સમીક્ષા: મુખ્ય કામગીરી બાબતે તમામ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી હતી. વરસાદમાં કોઈપણ પ્રકારની ઘટના ન થાય અને નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે તથા વધુ કલાકો સુધી વરસાદના પાણી રસ્તા ઉપર રહે તે માટેની પણ ખાસ સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજયના 8 મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ રહી છે, ત્યારે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ચોમાસા બાબતની સમીક્ષા કરવામાં આવશે.
રાજકોટ અમદાવાદ હાઇવે કામગીરીની ચર્ચા: ગુજરાત વિધાનસભા ગૃહમાં અમદાવાદ રાજકોટ હાઇવે છેલ્લા 6 વર્ષથી કામગીરી શરૂ છે પણ હજુ કાર્ય પૂર્ણ થયું નથી, ત્યારે ગૃહમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, જૂન સુધીમાં અમદાવાદ રાજકોટ હાઇવેનું સંપૂર્ણ કામ પૂરું કરવામાં આવશે. આજની બેઠકમાં અમદાવાદ રાજકોટના 6 લેન હાઇવેની પણ ચર્ચા કરવામાં આવશે. જ્યાં રોડ રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે, તેવા તમામ પ્રોજેકટ વહેલી તકે ચોમાસા પહેલા પુરા કરવાની સૂચના આપવામાં આવશે.
રથયાત્રા બાબતે ચર્ચા: ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદની રથયાત્રામાં હાઇટેક સિક્યુરિટી સાથે સુરક્ષાનો સંબંધ કરવામાં આવ્યો છે, ત્યારે બરોડામાં જે રીતે રામ નવમીના દિવસે જે ઘટના બની હતી, તેવી ઘટના અમદાવાદ શહેરમાં ફરી ન બને તેને ધ્યાનમાં લઈને પણ ગૃહ વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની રથયાત્રાએ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા હોય છે. આ ઉપરાંત અન્ય શહેર તાલુકા અને જિલ્લાઓમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે તમામ જગ્યાએ પૂરતા પ્રમાણમાં પોલીસ સુરક્ષા ગોઠવાઈ રહે તે બાબતની પણ ખાસ સુચના કેબિનેટ બેઠકમાં વિભાગને તથા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આપી શકે છે.