અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર ધીરે-ધીરે કોરોનાનો કહેર વર્તાતો જાય છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના 13 એક્ટિવ કેસ નોંધાયા છે. ભવિષ્યમાં અન્ય કોઈ કેસ નોંધાય તો અગમચેતીના ભાગરૂપે હોસ્પિટલો સજ્જ છે. અમદાવાદની અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સહિત સોલા સિવિલ હોસ્પિટલ પણ કોરોના સામે લડવા માટે સજ્જ હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે.
સોલા સિવિલમાં ખાસ કોરોના વોર્ડ: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદ ખાતેના તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તમામની તબિયત સ્થિર હોવાને કારણે કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં નથી. પરંતુ જો કોઈ બનાવ બને તો હોસ્પિટલ તંત્ર તેના માટે તૈયાર છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો અલગ થી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જરૂર જણાશે તો ઓક્સિજન પણ ઉપલબ્ધ થાય તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કોરોના વોર્ડમાં તમામ સુવિધાનો દાવો: સોલા સિવિલ હોસ્પિટલના અસિસ્ટન્ટ આરએમઓ ડૉ. કિરણ ગોસ્વામીએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, 'જો કોરોનાના શંકાસ્પદ દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવશે તો તમામ સુવિધાઓ સહિત નર્સિંગ સ્ટાફ 24 કલાક ખડેપગે રહેશે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના ટેસ્ટ કરવા માટે સોલા સિવિલ હોસ્પિટલમાં 24 કલાક લેબોરેટરીની સુવિધા મળી રહેશે. જો કોઈ પોઝિટિવ કેસ આવશે અને દર્દીને દાખલ કરવાની જરૂર પડી તો તેના માટે પણ હોસ્પિટલમાં અલગ થી કોરોના વોર્ડ તૈયાર કરીને 25 બેડની સુવિધા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી દવાઓનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યો છે.'