અમદાવાદઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમને તેમની બજેટ સ્પીચમાં યુવતીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 કરવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. જેને અનુલક્ષીને કેન્દ્ર સરકારે એક સમિતીની રચના કરી છે. 1978માં યુવતીઓની લગ્નની ઉંમર 15થી વધારીને 18 કરાઈ હતી. ભારતમાં છેલ્લા 5 વર્ષનો રુપોર્ટ જોઈએ તો 18-21 વર્ષની વચ્ચે 56 ટકા યુવતીઓના લગ્ન થઈ જાય છે અને તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવા નાની વય લગ્નનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
યુનિસેફના એક સર્વે પ્રમાણે 27 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષે થઈ જાય છે. આ સર્વેમાં એવું ટાંકયું છે કે, નાની વયે લગ્ન કરતી છોકરીઓમાં અનિચ્છનીય ગર્ભાવસ્થા, કુપોષણ, જાતીય રોગ, પ્રજનનને લગતી સમસ્યાઓ ઉભી થાય છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારનો આશય એવો છે કે, માતાઓનો મૃત્યુદર ઘટાડવો. નાની વયે એટલે કે 18-19 વર્ષની વયે યુવતી માતા બને તો તેમનામાં કુપોષણ અને એનેમિયા મોતનું કારણ બનતા હોય છે. આવી યુવતીઓમાં માનસિક પરિપકવતા જોવા મળતી નથી. જેથી યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવી જોઈએ.
જો કે, વિશ્વના 140 દેશોમાં છોકરા-છોકરીઓની લગ્નની કાયદેસર ઉંમર 18 વર્ષ છે. તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે છોકરા-છોકરીઓ બન્ને માટે લગ્નની સમાન ઉંમરની જરૂરિયાત પર ભલામણ કરી છે. આ ચર્ચામાં ગુજરાત યુનિવર્સિટીના મીડિયા ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસર સોનલ પંડયાનું માનવું છે કે, 18 વર્ષથી વયે યુવતી પરિપકવ થઈ જાય છે, પરંતુ દીકરીઓના લગ્ન માટે કૌંટુબિક રીતે બધા ભેગા થઈને નિર્ણય લેતા હોય છે. ભારતમાં યુવતીને લગ્ન કરવા કે નહી, તે માટે નિર્ણય લેવાની સત્તા હોતી નથી, તેના માટે માતા, પિતા, ભાઈ કે મોટી બહેન નક્કી કરતી હોય છે. યુવતીને માત્ર પસંદ નાપસંદ જ કરવાનું હોય છે. જો યુવતીઓને લગ્ન કરવા કે નહીં તેની આઝાદી મળશે તો તે જાતે જ નક્કી કરશે, કે મારી લગ્નની ઉંમર છે કે નહી. કાયદો બનાવવાની જરૂર નથી. 18 વર્ષની મર્યાદા હોવા છતાં કેટલાય ગામડાઓ છે, જ્યાં લગ્ન વહેલા થતા હોય છે.
સામાજિક મહિલા અગ્રણી રુઝાન ખંબાતાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, યુવતીઓને 21 વર્ષ સુધી ભણવા દેવી જોઈએ અને લગ્નની ઉંમર 21 જ કરવી જોઈએ. તો જ તે વધુ પરિપકવતાથી તેના જીવન સાથી અંગે અને લગ્ન પછી માતૃત્વ ધારણ કરવું કે નહી તે અંગે નિર્ણય લઈ શકશે. અમે તો માતાપિતાને કહેતા હોઈએ છે કે, દીકરીઓને ભણાવો, પ્રોફેશન કોર્સ કરાવો, તે તેના પગભર થાય પછી તેને પરણાવો, પણ ગ્રામ્ય વિસ્તારના માતા પિતા દીકરી 15 વર્ષની થાય એટલે છોકરો શોધવાનું ચાલુ કરી દે છે અને 18 વર્ષે તો લગ્ન પણ કરી દે છે. આ દેશ માટે અને મહિલા માટે તંદુરસ્ત નિશાની નથી. સોનલબહેન પંડયાએ છેલ્લે યુવતીઓએ 25 વર્ષે જ લગ્ન કરવાની સલાહ આપી હતી. રૂઝાન ખંબાતાએ પણ દીકરીઓને 21 વર્ષે ભણીગણીને લગ્ન કરવા જોઈએ, તેવું સૂચન કર્યું હતું.