- અમદાવાદમાં પ્રખ્યાત પતંગ બજારો
- સર્વધર્મના લોકો ઉડાડે છે પતંગ
- ફિરકીની કારીગરી દ્વારા ભાઈચારાનો સંદેશ
અમદાવાદ : ભારત તહેવારોનો દેશ છે. અહીં દરેક તહેવાર ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તેમાં પણ દરેક રાજ્યોના વિશિષ્ટ તહેવારો છે. કેટલાક તહેવાર તો તે રાજ્યની ઓળખ બની ગયા છે. જેવી રીતે પંજાબમાં વસતા લોકો માટે વૈશાખી, બંગાળમાં દુર્ગા પૂજા, દક્ષિણ ભારતના રાજ્યોમાં પોંગલ તો ગુજરાતમાં ઉતરાયણ જાણીતી છે. અમદાવાદની ઉત્તરાયણ તો સમગ્ર વિશ્વ અને દેશભરમાં જાણીતી છે.
અમદાવાદની પોળની ઉત્તરાયણ પ્રખ્યાત
ઉત્તરાયણના મહિના પહેલાં જ અમદાવાદની પોળોમાં ધાબા પરથી પતંગ ઉડવા લાગે છે. દોરી અને પતંગનું અલાયદું માર્કેટ ભરાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર દિલ્હી ચકલા, રાયપુર, કાલુપુર વગેરે પતંગો અને દોરીના મોટા બજાર છે. અમદાવાદમાં પતંગ રસિયાઓએ પોતાની કળા દ્વારા હંમેશા આ તહેવારને આવકાર્યો છે.
અમદાવાદના કાલુપુર પતંગ માર્કેટમાં 10 ફૂટની ફિરકી
કાલુપુર માર્કેટ ખાતે સીઝનલ સ્ટોર્સ ધરાવતા સલીમભાઈ પણ પતંગ અને દોરીના ચાહક છે. ખાસ તો તેમને ફિરકીથી ખૂબ પ્રેમ છે. તેઓ છેલ્લા 22 વર્ષથી આ વ્યવસાય સાથે સંકલયેલા છે. તેમને 2012 થી એક ઈંચથી માંડીને 10 ફૂટ સુધીની ફીરકીઓ બનાવી છે. આ ફિરકીઓ રાષ્ટ્રીયતા, સર્વ ધર્મ સમભાવ અને એકતાનો સંદેશ આપે છે.
કી-ચેઇનથી લઈને પ્રદર્શનીની ફિરકી
મેટલના મટિરિયલમાંથી સર્વધર્મ સમભાવ દર્શાવતી એક ફિરકી ખૂબ જ વિખ્યાત છે. જેમાં દરેક ધર્મના જુદા-જુદા ચિહ્નો અંકિત કરેલા છે. તેમણે ભારતના રાષ્ટ્રધ્વજના રંગની ત્રણ ફૂટની મોટી ફિરકી પણ બનાવી છે. આ ઉપરાંત એક ઇંચની કિ-ચેઇન જેવી ફિરકીઓ પણ બનાવી છે. અત્યારે દોરી ભરેલી ફિરકીઓ વેંચતા સલીમભાઈ પોતાની દુકાનમાં 10 ફૂટની ફિરકી લાઇટિંગથી સજાવીને રાખે છે. જે ગ્રાહકોને આકર્ષે છે.
ઉત્તરાયણ સર્વધર્મનો તહેવાર
ગુજરાતમાં ઉજવાતો ઉત્તરાણનો ઉત્સવ બહુ લોકપ્રિય તહેવાર છે. જેમાં સર્વધર્મના લોકો સાથે મળીને તેને ઉજવે છે. હિન્દુઓની સાથે અન્ય કોમના લોકો પણ પતંગ ઉડાડે છે અને સમગ્ર અમદાવાદનું વાતાવરણ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ત્યારે દરેક ધર્મનો રંગ તેમાં સામેલ હોય છે.