અમદાવાદઃ જો કોઈને મધ્યયુગના મોહમ્મદ બિન તુઘલકનું શાસન જોવું હોય તો આજે અમદાવાદ શહેરમાં થઈ રહેલા વહીવટીને જોઈ શકાય છે. કારણ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા એક એવું ફરમાન બહાર પાડવામાં આવ્યુ છે કે, આગામી 25 મેં સુધી એટલે કે દસ દિવસ સુધી કરિયાણા અને શાકભાજીનું વિતરણ બંધ રહેશે.
લોકડાઉનના કારણે પહેલેથી જ પ્રજા અનેક તકલીફો ભોગવી રહી છે,ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ ના ભૂલવું જોઈએ કે, શહેરમાં ગરીબોની સંખ્યા પણ માતબર છે. ત્યારે આ નિર્ણય તેમને વિમાસણમાં મૂકી શકે છે.
બીજી તરફ કોર્પોરેશને એવો દાવો કર્યો છે કે, શાકભાજીના વેચાણકર્તાઓ અને કરિયાણાના વેચાણકર્તાઓ કોરોના વાઇરસના સુપર સ્પ્રેડર્સ બન્યા છે, પરંતુ તેનો ઉકેલ લાવવાની જગ્યાએ કોર્પોરેશન દ્વારા આ અણઘડ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે શહેરના લાખો લોકોએ રાત્રિના મોડા સુધી કરિયાણાની દુકાન બહાર લાઈનમાં ઉભુ રહેવું પડ્યું હતું.
શાકભાજીના ભાવ અચાનક બમણા થઈ ગયા હતા. લાખો લોકો અનેક વિસ્તારમાં અનાજ અને શાકભાજીની લાઈનમાં લાગતા સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થયો હતો. તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા જ એવો આદેશ અપાયો કેસ, લોકોમાં રોષ તો ફેલાયો અને લોકો હેરાન પણ થયા પરંતુ કોરોના વાઇરસને ફેલાવા મોકળુ મેદાન મળી ગયું.તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર જ જવાબદાર છે.