અમદાવાદઃ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી ગુજરાતના પ્રવાસે છે. તેમણે બુધવારે સવારે અમદાવાદ ખાતે સાબરમતિ રિવરફ્રંટની મુલાકાત લીધી હતી. ધામીએ સાબરમતિ રિવરફ્રંટના વખાણ કર્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદંશી, માર્ગદર્શન અને કુશળ નેતૃત્વને પરિણામે આ સાબરમતિ રિવરફ્રંટ આકાર પામ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે આ પ્રોજેક્ટને ઈકોલોજી અને ઈકોનોમીના સુભગ સમન્વયનું ઉદાહરણ તરીકે વર્ણવ્યો હતો.
સામાન્ય નાગરિકો સાથે વાતચીતઃ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાને રિવરફ્રંટ પર હાજર નાગરિકો સાથે વાતચીત પણ કરી હતી. મુખ્ય પ્રધાને નાગરિકો પાસેથી ગુજરાતના વિકાસ સંદર્ભે જાણકારી પણ મેળવી હતી. ધામીએ અમદાવાદના નાગરિકોન દેવભૂમિ ઉત્તરાખંડની મુલાકાતનું આમંત્રણ પણ આપ્યું હતું.
રિવરફ્રંટ વિશેઃ રિવરફ્રંટનું નિર્માણ 2005માં શરુ થયું હતું. તેનો પ્રથમ ફેઝ 2012માં પૂર્ણ થતાં રિવરફ્રન્ટ નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રિવરફ્રંટ પર નાગરિકોને સુલભ્ય એવી સુવિધાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના મેજર ઓબ્જેક્ટિવ્સમાં એનવાયરોન્મેન્ટલ ઈમ્પ્રુવમેન્ટ, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર અને સસ્ટેનેબલ ડેલપમેન્ટનો સમાવેશ થાય છે.
ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023: ઉત્તરાખંડ મુખ્ય પ્રધાન ધામી મંગળવારે ગુજરાત આવી પહોંચ્યા હતા. મંગળવારે સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુખ્ય પ્રધાન ધામીનું ભવ્ય અને ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ઈન્વેસ્ટર્સને ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023નું આમંત્રણ પાઠવવા આવ્યા છે. તેઓ આ સંદર્ભે ગુજરાતમાં યોજાનાર એક રોડશોમાં ભાગ પણ લેવાના છે. ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023 ડિસેમ્બરમાં દેહરાદૂન ખાતે યોજાવાની છે. પુષ્કર ધામીનો મનસુબો ઉત્તરાખંડ રાજ્યના GSDPને આવતા 5 વર્ષમાં ડબલ કરવાનો છે. જેના માટે ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023 મહત્વની ઈવેન્ટ સાબિત થશે. તેથી જ આ સમિટ માટે ઈન્વેસ્ટર્સને આમંત્રણ આપવા મુખ્ય પ્રધાન ધામી ગુજરાતના મહેમાન બન્યા છે.