ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ એટલે કે 4થી જુલાઈએ નાથ નગરચર્યાએ નીકળશે. જેમાં આ વર્ષે જગન્નાથજી રજવાડી સ્વરૂપમાં પોતાના ભક્તોને દર્શન આપશે. આ રજવાડી લુક માટે ભગવાન જગન્નાથજીની ખાસ ચાંદીની યદુવંશી પાઘડી તથા તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. છેલ્લા 17 વર્ષથી વાઘા બનાવતા સુનિલભાઈ જણાવે છે કે, લાલ રંગ શુભ હોવાથી આ વર્ષે ભગવાન માટે લાલ રંગના રજવાડી વાઘા તૈયાર થયા છે.
દર વર્ષે વાઘામાં કંઈક નવી અને અલૌકીક થીમ તૈયાર થાય છે. ત્યારે આ વખતે પણ રજવાડી વેશમાં ભગવાન દર્શન આપશે. ભગવાનની સૌથી પ્રિય એવી ગાયો પણ તેમના વાઘાઓમાં મુકવામાં આવી છે. તો સાથે જ એક વાઘો, લીલા રંગમાં સ્પેશિયલી મોર તથા પોપટના આભલાથી કલાત્મક રીતે ઉકેરવામાં આવ્યો છે. ત્યારે શ્રદ્ધાળુઓ, અનેરા ઉત્સાહ સાથે વ્હાલાના વધામણા કરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે અને આ વર્ષે તો ખાસ...રજવાડી વાઘા અને રજવાડી ઠાઠ સાથે પ્રભુ ક્યારે ભક્તોને દર્શન આપે તે માટે ભાવિકો આતુર છે.