અમદાવાદ ડીવિઝન બેન્ચ હાલ કાર્યરત ન હોવાથી આ અરજી પર સુનાવણી પેન્ડિંગ રાખવામાં આવી હતી. રજનીશ રાય તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ડિવીઝન બેન્ચ ન હોવાથી આ અરજી સિંગલ જજ સંભાળે. સામા પક્ષે કેન્દ્ર સરકારની રજૂઆત હતી કે, રજનીશ રાયની અરજી પર ડિવીઝન બેન્ચ જ સુનાવણી હાથ ધરી શકે છે. સિંગલ જજ આ પ્રકારની અરજી પર સુનાવણી હાથ ન ધરી શકે. જો કે, રજનીશ રાયની માગણીને ધ્યાને રાખી અરજીની સુનાવણી સિંગલ જજ સમક્ષ હાથ ધરાશે.
રજનીશ રાય છેલ્લે આંધ્રપ્રદેશના ચિત્તુરમાં આવેલ CRPFની કાઉન્ટર ઇન્સર્જન્સી એન્ડ એન્ટિ ટેરરિઝમ સ્કૂલમાં ઇન્સપેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. 23 ઓગસ્ટ 2018ના રોજ રજનીશ રાયના 50 વર્ષ પૂર્ણ થતા તેમણે વી.આર.એસ. માટે અરજી કરી હતી, પરંતુ ગૃહ વિભાગ તરફથી કોઈ જવાબ ન આવતા તેમણે રિમાઇન્ડર મોકલ્યા હતા. જેના જવાબમાં તેમને ફરજ પર તાત્કાલિક હાજર થવા જણાવવામાં આવ્યું હતું. તેમને વિજિલન્સ ક્લીઅરન્સ ન મળ્યું હોવાથી સરકારે તેમને નિવૃત્ત કરવાનો ઇન્કાર કરતા તેમણે સ્વૈચ્છિક રાજીનામાની માગણી સી.એ.ટી.ની અમદાવાદ બેન્ચમાં અરજી કરી છે.