અમદાવાદ : શહેરના ચમનપુરામાં 23 ફેબ્રુઆરીએ સામાન્ય તકરારમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિન્દ્ર રાજા નામના કોન્સ્ટેબલની 4 શખ્સોએ સાથે મળી છરીના ઘા મારી હત્યા કરી હતી. જેમાં હત્યા કરીને ફરાર થઈ જનારા 4 આરોપી પૈકી 2 ની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ હત્યાના 15 દિવસ બાદ પણ હત્યારા ઝડપાયા નથી. તેથી પરિવાર ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે.
અસારવા વિસ્તારમાં મૃતક કોન્સ્ટેબલ તેમના પરિવાર સાથે રહેતા હતા. જેમાં 5 બહેનો અને એક વિધવા માતા છે. કોન્સ્ટેબલની હત્યા બાદ જાણે પરિવાર આખો વિખેરાઈ ગયો છે. તેમજ આધારહીન બન્યો છે. આ પરિવાર પોતાના ભાઈ અને દીકરાના હત્યારાઓને સજા મળે અને તેને ન્યાય મેળવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે. તેમજ પરિવાર દ્વારા માંગ કરાતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
જેમાં હત્યાના થોડા દિવસોમાં 2 આરોપી ઝડપાઇ ચુક્યા હતા. તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી. પરંતુ 15 દિવસ બાદ પણ 2 આરોપી હજુ ફરાર છે. ત્યારે બંને આરોપી પકડાઇ અને તમામ 4 આરોપીઓને કડક સજા થાય તેવી માંગ સાથે પરિવારે જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું હતું. આ ઉપરાંત પરિવારની માંગ છે કે, ચાલુ નોકરી દરમિયાન રવિન્દ્ર રાજાની હત્યા કરવામાં આવી છે, તો તેને શહીદનો દરજ્જો આપવામાં આવે.