અમદાવાદઃ અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે શહેરમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. રખિયાલ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષકે રૂપિયાની જરૂર હોવાથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજે લીધેલા 8 લાખ સામે તેમણે 15 લાખ રૂપિયા પરત કર્યા હતા. તેમ છતાં 21 લાખથી વધુના રૂપિયા નીકળતા હોવાનું કહી વ્યાજખોર શિક્ષક અને તેમના પરિવારને હેરાન કરતો અને પૈસાની માગણી કરતો હોવાનો આક્ષેપ શિક્ષકે કર્યો હતો. આ મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
રખિયાલ ગામના વ્યાજખોરો પાસેથી લીધા હતા રૂપિયાઃ મળતી માહિતી અનુસાર, શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક નિવૃત્ત શિક્ષકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2016માં શિક્ષકની આર્થિક પરીસ્થીતિ ખરાબ હોવાથી તેમણે રખિયાલ ગામમાં રહેતા મહેન્દ્રકુમાર ઉર્ફે મનુભાઈ રાઠોડ પાસેથી 5 ટકા લેખે 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ શિક્ષકે ટુકડે ટુકડે પ્રથમ 3 લાખ પછી 2 લાખ અને છેલ્લે રૂપિયા 3 લાખ મળી કુલ 8 લાખ રોકડા ચૂકવી આપ્યા હતા.
સ્ટેમ્પ પેપર પર કરાર કરાવી લીધો હતોઃ આ રકમ બદલ વ્યાજખોરે શિક્ષક પાસેથી નોટરી રૂબરૂ હાથ ઉછીના આપ્યા છે. તેવો રૂપિયા 100ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરાવી લીધો હતો. જોકે, તેની કોપી શિક્ષકને આપી નહતી. ત્યારબાદ આ વ્યાજખોર શિક્ષકને ધાકધમકીઓ આપી તેની પાસેથી બેન્કના 10 કોરા ચેક, ATM અને પાસબૂક પડાવી લીધા હતા અને દર મહીને શિક્ષકના પગાર થાય ત્યારે વ્યાજખોર શિક્ષકના ખાતામાંથી વ્યાજ લેતો હતો.
પૈસા આપી દીધા છતાં વ્યાજખોર આપતો હતો ધમકીઃ શિક્ષકે 8 લાખ વ્યાજે લીધા બાદ 2 વર્ષ સુધી 5 ટકાના હિસાબે વ્યાજ આશરે 11થી 12 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં વ્યાજખોર મહેન્દ્રકુમાર ઉર્ફે મનુભાઇ શિક્ષકના ઘરે પહોંચી મુડી બાકી છે આપી દે નહીંતર મારી નાખીશ અને તારે રખિયાલ ગામમાં રહેવું ભારે પડશે તેવી ધમકી આપતો હતો. વ્યાજખોરોની ધમકીઓ આપી શિક્ષકના પત્ની પાસેથી 15 લાખ ઉછીના આપ્યા છે તેવું લખાણ કરવી લીધું હતું. ત્યારબાદ શિક્ષકના ખાતામાંથી 4 લાખ, પત્નીના ખાતામાંથી 3 લાખ અને દિકરાના ઓનલાઈન એપ્લિકેશન મારફતે 40,000 ચૂકવ્યા હતા.
શિક્ષકના દિકરા સામે થઈ હતી ફરિયાદઃ આ ઉપરાંત વ્યાજખોરે અગાઉ શિક્ષક પાસેથી લીધેલા 10 કોરા ચેકમાંથી 10 લાખનો ચેક બેન્કમાં આપ્યો હતો. જોકે, શિક્ષકના એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થતો હતો અને શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. બીજી તરફ વ્યાજખોર મનુભાઈનો સાગરીત હિમાંશુ ઠાકોર દ્વારા પણ 5 લાખનો ચેક બેન્કમાં નાખ્યો હતો, જે પણ રિટર્ન થતાં હિમાંશુભાઈએ પણ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત વ્યાજખોર મનુભાઈએ જામીન પેટે શિક્ષકના દિકરા પાસેથી પણ 3 કોરા ચેક લઈ લીધા હતા, જેમાંથી 6 લાખનો એક ચેક બેન્કમાં ભર્યો હતો. આ ચેક બાઉન્સ થતા શિક્ષકના દિકરા વિરૂધ્ધમાં પણ નેગોશિયલ કોર્ટમા ફરીયાદ કરવામાં આવી હતી.
પોલીસે શરૂ કરી કાર્યવાહીઃ વ્યાજખોર મહેન્દ્રનો ત્રાસ એટલો હતો કે, તે શિક્ષકને અવારનવાર અપશબ્દો કહી ધમકી આપતો હતો. આના કારણે શિક્ષકનો પરિવાર રખિયાલ ખાતેનું મકાન વેચી નરોડા ખાતે ભાડે રહેવા જતા રહ્યા હતા. હાલ તો, શિક્ષકની ફરિયાદ પરથી પોલીસે વ્યાજખોર મનુભાઈની ધરપકડ કરવામાં આવી છે. તો પોલીસે મનુભાઈને વ્યાજખોરી અને એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીને કોર્ટમાં રજૂ કરાશેઃ આ અંગે એસસીએસટી સેલના ઇન્ચાર્જ ACP ઝેડ. એ શેખે જણાવ્યું હતું કે, હાલમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજ્ય સરકારની ચાલી રહેલી અંતર્ગત આ કિસ્સો ધ્યાને આવતા ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવી આ સમગ્ર બાબતે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવશે