આ સમગ્ર મામલે ગાંધીનગરના એમટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કરણકુમાર ધાનેજાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે અરજી આપેલી હતી. જેમાં તેઓ પોતે ચાંદખેડા ખાતે રહે છે અને મોબાઇલ ફોનમાં સર્ફિંગ દરમિયાન કેટલાક ફેસબુક તેમજ ટ્વિટર એકાઉન્ટ દ્વારા કોઈ સોશિયલ મીડિયામાં સરકારી સ્કોર્પિયો જેનો નંબર GJ-18-G-9085 છે તે ગાડીની ફોટો સાથે ગાડીની જુદી-જુદી વિગતો જેવી કે રજિસ્ટ્રેશન નંબર, રજીસ્ટ્રેશન તારીખ ફિટનેસ વેલીડીટી 10-04-2029, ઇન્સ્યોરન્સ વેલીડીટી 10-04-2019 તથા પીયૂસી તેની માહિતી વાળુ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવી ફેસબુક તેમજ ટ્વિટરના અમુક ચોક્કસ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઈન્ટરનેટ મારફતે જાહેર જનતામાં ફેલાયેલું હતું.
આ વાહન તેમના તાબા હેઠળનું અને ગુજરાત રાજ્ય પોલીસના નામનું હોવાથી આ અંગે તેમને ચકાસણી કરી હતી. જે દરમિયાન જાણવા મળ્યું હતું કે, વાહનના ઇન્સ્યોરન્સ વેલીડીટી ખરેખર ડિસેમ્બર 2019 સુધી અને પીયૂસી પણ નિયમો મુજબ રીન્યુ થયેલું હતું. તો બીજી તરફ સોસીયલ મીડિયામાં જે ખોટા રેકોર્ડ વાળો ફોટો ફરી રહ્યો હતો તે અંગે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી.
આ મામલે ટેક્નિકલ એનાલિસિસ કરીને પોલીસે સુરતમાં રહેતા અને મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા અફરાજ રઝા શેખ ઉર્ફે અબ્દુલરજા શેખની અટકાયત કરી હતી. આરોપીની પુછપરછમાં સામે આવ્યું હતું કે તે પોતે વેબ પોર્ટલ ચલાવી રહ્યો છે. શા માટે આરોપીએ આ પ્રકારનો ફોટો વાયરલ કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે.