અમદાવાદઃ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે જણાવ્યું હતું કે, આપણો સમય આવશે ત્યારે આ તાનાશાહોના સરનામાં બદલાવી નાંખીશુ. 20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા અને તેના જીવને ચોક્કસ જોખમ છે. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. મંતવ્ય બધાના ભલે અલગ હોય મંજિલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ.' આ સાથે કિંજલે કહ્યું કે, 'હાર્દિક 18 તારીખથી ઘરે નથી આવ્યાં. આપણે કોઇ પણ ખોટા કામ નથી કર્યા, કોઇપણ બે નંબરનાં કામ નથી કર્યા. આપણે સમાજનાં હિતની વાત કરી છે. તો ડર્યા અને ગભરાયા વગર જેમ લડતા આવ્યાં છીએ તેમ જ લડતા આવવાનું છે. આપણે સત્યનાં માર્ગે છે તો સત્ય પરેશાન થાય છે, પરાજીત નથી થતું. '
શિબિરમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, 'તમામ જિલ્લા કક્ષાએ આવેદન પત્ર આપીશું અને ત્યાર બાદ આંદોલન સમયે મધ્યસ્થી બનેલા સંસ્થાનાં અગેવાનને મળીને કેસ પાછા ખેંચાય તે માટે સરકારને રજૂઆત કરે તથા સંસ્થાનાં આગેવાન સરકારને રજૂઆત કરે. જે બાદ પણ સરકાર હકાત્મક વલણ નહિં રાખે તો 2015 જેવું આંદોલન ફરીથી કરીશું.'