- બેરોજગારીથી લોકો ફૂટપાથ પર વેપાર કરવા મજબૂર
- લારીઓવાળાઓએ કાયમી અડ્ડો જમાવી દીધો
- લારી, પાથરણા, ટેમ્પામાં વધતો વેપાર
- પુલો પર વેપારથી અકસ્માતનો ભય
અમદાવાદ: શહેરના ગાંધી રોડ, પાનકોરનાકા, રીલીફ રોડ જેવા મધ્યમાં આવેલા વિસ્તારોના ફૂટપાથો અને રસ્તાઓ પર વર્ષોથી પાથરણા, લારીઓ, કેબિનો મુકી વેપાર ધંધો ચાલે જ છે. કેટલાંક વિસ્તારોમાં રાહદારીઓ સરળતાથી ચાલી શકતા નથી, તો કેટલાક વિસ્તારોમાં વાહનચાલકો પરેશાન થઇ જાય છે. વધતી જતી વસ્તી, શહેર તરફની આંધળી દોટ અને બેરોજગારીએ અનેક લોકોને માર્ગો પર ફૂટપાથ પર વેપાર ધંધો કરવા મજબૂર કરી દીધા છે.જેને લઇને ટ્રાફિક શાખા, દબાણ ખાતુ પણ ક્યાંક આંખ આડા કાન કરી રહ્યુંં છે.
ચીજવસ્તુઓ ખરીદવા બ્રિજ પર થોભી જતા લોકોથી અકસ્માતોનું જોખમ
સૌથી મહત્ત્વની બાબત એ છે કે, સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ સાબરમતી નદી પરના બ્રિજ હોય કે, અન્ય ઓવરબ્રિજ કે અન્ડરપાસ પાસે વેપાર કરવો જોખમી છે. તેમ છતાં પાથરણા પાથરી, ટેમ્પાઓ, લારીઓ મુકી સરદાર બ્રિજ અને હવે આશ્રમ રોડથી શાહપુર તરફ જતા ગાંધી બ્રિજ પરની ફૂટપાથો ભરાવા માંડી છે. જ્યારે ફળ ફળફળાદી, ફૂલ કે, અન્ય ચીજવસ્તુઓ ખરીદવા વાહનો લઇને બ્રિજ પર થોભી જતા લોકોથી અકસ્માતોનું જોખમ વધી જાય છે.