અમદાવાદ: રાજ્યમાં ભારે ગરમીના કારણે શોર્ટ સર્કિટ થવાના કારણે અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ગતરોજ બાપુનગર ખાતે આવેલ વિકાસ એસ્ટેટમાં ફટાકડા ગોડાઉનમાં અચાનક આગ લગતા ભારે નાસભાગ મચી ગઇ હતી. આગ કયા કારણોસર લાગી હતી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ તપાસમાં તે જ વિસ્તારના અનેક ગોડાઉન પાસે લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું છે.
'વિકાસ એસ્ટેટમાં અંદાજીત 40 જેટલા ફટાકડાના ગોડાઉન આવેલા છે. જેમાંથી માત્ર 17 જેટલા ગોડાઉન પાસે ફટાકડાના લાયસન્સ છે. બાકી તમામ ગોડાઉન પાસે લાયન્સ ન હોવાનું સામે આવ્યું છે. જેને પગલે ફાયર વિભાગ અને અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન પણ વિકાસ એસ્ટેટના તમામ ગોડાઉન ચેકીંગ હાથ ધરવામાં આવશે. જે ગોડાઉન ધારકો પાસે લાયન્સ નહિ હોય તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.' -જયેશ ખડીયા, ફાયર ચીફ ઓફિસર
બુધવારે લાગી હતી આગ: ફાયર ચીફ ઓફિસર જયેશ ખડીયાએ જણાવ્યું હતું કે ગઈકાલે બાપુનગરના વિકાસ એસ્ટેટમાં જે આગ લાગી હતી. તેનો કોલ ફાયરવિભાગને સાંજે 4 વાગે પ્રાપ્ત થયો હતો. આ આગ ફટાકડાના ગોડાઉનમાં લાગી હોવાથી ફાયર વિભાગને પણ ભારે મુશ્કેલી ઉભી થઇ હતી. આ સમગ્ર આગને કાબુમાં મેળવવા માટે અંદાજીત 8 કલાકની મહેનત જેટલો સમય લાગ્યો હતો. વિકાસ એસ્ટેટ બાજુમાં આવેલ ભૂમિ રેસિડેન્સી એક દીવાલ પડી જતા સ્થાનિક લોકોને સલામતી માટે બહાર કાઢવામાં આવ્યા હતા. ભુમી રેસિડેન્સીના બે મકાનના સામાન્ય નુકશાન પણ પહોંચ્યું હતું.
32 દુકાન આવી ઝપેટમાં: ગતરોજ બાપુનગર ખાતે આવેલ વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં ફટાકડા સિવાય અન્ય દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. વિકાસ એસ્ટેટની કુલ 32 જેટલી દુકાન આગની ઝપેટમાં આવતા તમામ દુકાનનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. જો આગની ઘટનામાં અંદાજીત 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આગ પર કંટ્રોલ મેળવવા અમદાવાદ ફાયર વિભાગની તમામ ગાડી વિકાસ એસ્ટેટ ખાતે પહોંચી ગઈ હતી.