અમદાવાદઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસોને લઇ અમદાવાદવાસીઓનો અભિપ્રાય છે કે, સરકારે ફરી એક વખત લોકડાઉન લાગુ કરવું જોઈએ, તો જ કોરોના કેસમાં ઘટાડો થશે. જો કે, બીજી તરફ લોકોનું માનવું છે કે, લોકડાઉન પરમેનેન્ટ સોલ્યુશન નથી. અમદાવાદીઓ સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યાં છે. જેને લઇ સરકારે કડક નિયમો પણ બનાવ્યાં છે. તેમ છતાં અમદાવાદીઓ બેદરકારી દાખવી રહ્યાં છે. જેના જ કારણે કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, કોરોના વાઈરસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં માસ્ક નહીં પહેરનારને 500 રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઇ પણ મૂકવામાં આવી છે, તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાય તેવી જગ્યા પર પણ કડક કાર્યવાહી કરવાના આદેશો અપાયા છે. આ અંગે અમદાવાદીઓએ જણાવ્યું હતું કે, માસ્ક નહીં પહેરનાર સામાન્ય નાગરિકને 200 રૂપિયા જેટલો જે દંડ લેવામાં આવતો હતો. તે યોગ્ય છે, જેથી સામાન્ય નાગરિક તેને એફોર્ડ પણ કરી શકતો હતો.
કાળાબજારી અંગે વાત કરતાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે જે ઇન્જેક્શન તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાં જે રીતે કાળા બજારી થઈ રહી છે, તે પણ ન થવી જોઈએ સરકારે આ બાબતે કોઈ ચોક્કસ પગલાં લેવા જોઈએ સાથે જ કાળા બજારી કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત નગરજનોએ તંત્રને તમામ વર્ગના લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને ચોક્કસ નીતિઓનું ઘડતર કરવું અને શિક્ષણ અને રોજગાર અંગે ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવા અપીલ કરી હતી.