અમદાવાદઃ શહેરમાં પાછલા 15 દિવસથી દરરોજ 250થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના બે તાલુકા - દેત્રોજ અને ધોલેરામાં અત્યાર સુધીમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં ઘણા જિલ્લા એવા છે કે, જ્યાં થોડાક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા અને તેમને ડિસ્ચાર્જ કરાયા બાદ જિલ્લામાં નવા કોઈ કેસ ન આવતા તેઓ ફરીવાર કોરોના મુક્ત છે, પરંતુ અમદાવાદ જિલ્લાના દેત્રોજ અને ધોલેરા તાલુકામાં અત્યાર સુધીમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધ્યો જ નથી. આ બે તાલુકામાં એકપણ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગ્યું નથી. દેત્રોજ તાલુકાના 55 ગામ અને ધોલેરાના ગામડાઓમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.
અમદાવાદ જિલ્લામાં 17મી મે ના સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 135 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી સૌથી વધુ કેસ અમદાવાદ શહેરની બાજુમાં આવેલા દસકોઈ તાલુકાના બોપલ, જેતલપુર, બારેજા સહિતના ગામમાં નોંધાયા છે. આ તમામ ગામડા અમદાવાદથી અડીને આવેલા છે. જેથી અહીં સંક્રમણ ફેલાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધોળકા તાલુકામાં સૌથી વધુ 57 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે પૈકી મોટાભાગના કેડીલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીના કર્મચારીઓ સામેલ છે.
અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાં ફેલાયેલા કોરોના સંક્રમણનું વિશ્લેષણ કરવામાં આવે તો સામે આવે છે કે 17મી મે સુધીમાં કુલ 135 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા જે પૈકી 90 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. જ્યારે 6 દર્દીઓના મોત નીપજ્યાં છે.
ધોળકા તાલુકામાં કુલ 57 કેસ નોંધાયા છે. જેમાંથી 30 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. દસ્ક્રોઈ તાલુકામાં કોરોના કુલ 54 કેસ નોંધાયા છે. જેમાંથી 44 સાજા થઈ ગયા છે અને માત્ર 10 એક્ટિવ કેસ છે. 17મી મે ની સ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લામાં માત્ર 45 કોરોના એક્ટિવ કેસ છે.
અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.64 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 27 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 45 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.
મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.