અમદાવાદમાં છેલ્લા 7 દિવસથી પોલીસ બેડામાં ચાલી રહેલા નાટકનો અંત આવ્યો છે. નાટક એટલા માટે કારણ કે, બે પોલીસકર્મીએ 2 લાખનો ફ્રોડ કર્યો છે. જેની જાણ થતા તપાસના આદેશ અપાયા હતા. તપાસથી બચવા માટે બે પોલીસ કર્મી કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી સ્યુસાઈડ નોટ લખી ફરાર થઈ ગયા હતા. સ્યુસાઈડ નોટથી પોલીસ અધિકારીઓ પર કોઈ દબાણ ન લાવી શકનાર કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ આખરે રાતના અંધારામાં પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેમાં પોલીસ સત્તાવાર રીતે કૌશલ ભટ્ટની ધરપકડ કરી છે.
પોલીસે આ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, કૌશલ ભટ્ટ કે જેણે પોતાના અન્ય બે સાથીઓ સાથે મળી 2 લાખનો ફ્રોડ કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને તે હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછનો દોર શરૂ કર્યો છે. આખરે અન્ય પોલીસકર્મી જીગર સોલંકી ક્યા છે, ફ્રોડના રૂપિયા પાસે છે, ફ્રોડ કાંડમાં અન્ય ત્રીજો વ્યક્તિ કોણ છે અને સ્યુસાઈડ નોટ લખ્યા બાદ બન્ને પોલીસ કર્મી ક્યા ગયા હતા. તે તમામ પ્રશ્રોના જવાબ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, કૌશલ ભટ્ટ કે જેની સામે અગાઉ પણ 3 વખત ફ્રોડ કરવાના આક્ષેપ થયા છે. ત્યારે હવે પોલીસ પૂછપરછમાં તે શું કબુલાત આપે છે અને કેટલી સાચી કબુલાત આપે છે તે જોવું રહ્યું. ઉપરાંત અન્ય ફરાર પોલીસ કર્મી અંગે કોઈ માહિતી જણાવે છે કે કેમ તે જોવું રહ્યું.