અમદાવાદ: અવારનવાર આપણે જે-તે જાણીતી રેસ્ટોરાના ફુડમાંથી કીડી- મકોડા સહિત અન્ય જીવજંતુ મળ્યા હોવાની ઘટનાઓ જોઈએ છીએ. પરંતુ આ અંગે જે-તે જવાબદાર ફુટ સેફટી વિભાગના અધિકારીઓને જાણે પેટનું પાણી પણ હલતું નથી. અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકવા તથા પોતાની બેદરકારીને છુપાવવા માટે સ્ટાફ નહીં હોવાની, સ્ટાફ ઓછો હોવાની, સ્ટાફ અન્ય કામમાં રોકાયેલ હોવાના બહાના બનાવી રહ્યા છે.
ત્યારે આજે 23 ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ નિમિત્તે ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા સરકારને વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.
- આરોગ્ય વિભાગની તમામ હોસ્પિટલોમાં ખાલી જગ્યાઓ ભરી જરૂરી પૂરતો અનુભવી સ્ટાફ પૂરો પાડી ગ્રાહકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવી.
- શહેરી વિસ્તારમાં વોર્ડ વાઇઝ ફૂડ સેફ્ટીંગ (F.S.O) અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. અમદાવાદ શહેરમાં 48 વોર્ડ હોવા છતાં ફક્ત 16 ફૂટ સેફ્ટી ઓફિસરની જગ્યા મંજૂર કરાઈ છે. જેના કારણે જરૂરી નિયમિત ચકાસણી હોટેલ કે રેસ્ટોરેન્ટમાં થઈ શકતી નથી. સ્ટાફ ન હોવાને કારણે રૂટિન ચેકિંગના બદલે ફક્ત ફરિયાદ મળે ત્યારે જ તપાસ કરવામાં આવે છે.
- ફૂડ એન્ડ ડ્રાગ્સની કચેરી તથા તેના અધિકારીઓના ફોન નંબર સરનામા સાથે જાહેર કરવા જોઈએ. ડ્રગ્સ કંપનીની ફરિયાદો માટે જનતાને કોઈ જાણકારી ન હોવાથી નાછૂટકે લાચાર બની ગમે તેવી દવાઓ ખરાઇ કર્યા વગર વાપરવા મજબૂર બને છે. અમુક કંપનીઓ આલ્કોહોલ જેવી માનવ શરીરને નુકસાન કરતી કેમિકલયુક્ત સામગ્રી, દવા, સીરપના ઉત્પાદનમાં મંજૂર થયેલ પ્રમાણમાં ફેરફાર કરી માનવજીવન સામે જોખમ ઊભુ કરતી દવાઓનું વેચાણ કરે છે.
- હોટેલ, રેસ્ટોરન્ટ માટે લાઇસન્સ ફરજીયાત હોવા છતાં ઘણા બધા લાઈસન્સ વગર ધંધો કરતા હોય છે. સરકારના ચોપડે તેઓનું કોઈ નામ નિશાન ન હોવાથી ગમે તેઓ ખોરાક લોકોને પીરસી રહ્યા છે. લાઈસન્સ વગર આવા એકમોને તાત્કાલિક બંધ કરી નવા નામે નવી જગ્યાએ ફરી ફૂડ સ્ટોલ શરૂ ન કરે તે માટે જરૂરી પગલા લેવા જોઈએ.
- કેન્દ્ર સરકાર દ્વારા પેકિંગ એન્ડ લેબલિંગ રેગ્યુલેસન્સ એક્ટ 2006માં ફેરફાર કરી 2011થી સુધારેલા કાયદા મુજબ કાર્યવાહી તથા અમલ કરવા પરિપત્ર બહાર પાડેલ છે. પરંતુ આશરે 12થી 13 વર્ષ જેટલો સમય વીતવા છતાં ગુજરાત સરકારે આ સુધારાનો ગુજરાતમાં અમલ કરવાનુ યોગ્ય માનેલ નથી.