અમદાવાદ:ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના 7 નવા પોઝિટિવ કેસ આવ્યાં છે. આ સાત નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 95 થઈ ગઈ છે. આ જે જે સાત કેસ નવા આવ્યાં છે તે તમામ અમદાવાદના છે. જેથી મ્યુનિસિપલ કમિશનર એક બાદ એક પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરી રહ્યાં છે.
એક એપ્રિલે 29 દર્દીઓના નામ જાહેર કર્યા બાદ આજે નોંધાયેલાં 7 કોરોના દર્દીના નામ પણ જાહેર કર્યાં છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતાં નથી. જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ શકે અને સરકારને જણાવી શકે. આ લિસ્ટ જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે, જો તમે આમાંથી કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યાં હોવ, તેની આસપાસ રહેતાં હોવ અથવા તમને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક 104 અને 15503 નંબર પર જાણ કરવી. આ ઉપરાંત તમે 6357094245 વોટ્સઅપ નંબર પર જાણ કરી શકો છો.
રાજ્યમાં સૌથી વધુ કન્ફર્મ કેસ અમદાવાદમાં છે, જેનો આંકડો 38 છે. સૌથી વધુ 3 મૃત્યુ પણ અમદાવાદમાં જ થયાં છે. આ ઉપરાંત, સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ અમદાવાદમાં 5 છે જે રાજ્યમાં સૌથી વધુ છે. રાજ્યના અન્ય મોટા શહેરો પર નજર નાખીએ તો, અમદાવાદ બાદ સૂરતમાં 12, ગાંધીનગરમાં 11, રાજકોટમાં 10 કન્ફર્મ કેસ છે. જ્યારે ભાવનગરમાં કન્ફર્મ કેસમાં ઝડપી વધારો થયો છે અને હાલ આ આંકડો 7 પર પહોંચ્યો છે, અને જિલ્લામા 2નાં મોત પણ થયાં છે.