અમદાવાદ: કહેવાય છે કે, મા તે મા બીજા વગડાના વા...જ્યારે સંતાનો પર કોઈ આફત આવે ત્યારે આડે ઊતરનારી પહેલા મા હોય છે. એ પછી શરીરની આફત હોય કે સંપત્તિની. માતા જીવે ત્યાં સુધી એ પોતાના સંતાનો માટે સાજા-સારા રહે એવી કામના કરતી હોય છે. માતાના બલીદાનને વધુ સ્પષ્ટ કરતો એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. સાણંદના અક્ષય ડાગોદરા. જેમની ઉંમર 28 વર્ષ છે. તેઓ છેલ્લા થોડાક માસથી કીડનીના ગંભીર રોગનો ભોગ બન્યા હતા. તેનાં માતા ભાનુબહેન સુરેશ ડાંગોદરા અક્ષયને જીસીએસ હૉસ્પિટલમાં લઈ ગયા અને ડોકટરોને અક્ષયનો જીવ બચાવી લઈ તેને કપરી સ્થિતિમાંથી બહાર લાવવા વિનંતિ કરી હતી.
કીડની આપવા તૈયાર થઈ: અક્ષયનાં માતા ભાનુબહેન ડાગોદરા કે, જેમની ઉંમર 52 વર્ષની છે, તેમણે જણાવ્યું હતું કે, હું જ્યારે હૉસ્પિટલ ગઈ ત્યારે મેં મારા પુત્ર અંગે તમામ આશા છોડી દીધી હતી. આશાનું એક નાનું કિરણ દેખાતું ન હતું. મને મારા પુત્રનો જીવ કેવી રીતે બચાવી શકાય તેની જાણકારી ન હતી. પણ ડોકટરોએ મને વિસ્તૃત માહિતી આપી અને હું એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કીડની આપવા તૈયાર થઈ હતી. આમ મેં મારૂ અંગદાન મારા જ પુત્રને કરી નાંખ્યું
"અંગદાન જાગૃતિ એ અમારો હેતુ છે. અમે હૉસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને પોસાય તેવા ખર્ચે સારવાર કરીને સમાજને સેવા આપવામાં માનીએ છીએ. જ્યારે એક માતાએ અમારો સંપર્ક કર્યો કે, આગામી મધર્સ ડે પહેલાં તેની કીડની પોતાના પુત્રને આપવા માગે છે. અમે નક્કી કર્યુ કે અમે તેની આશા અમે વિના ખર્ચે સમયસર પૂરી કરીશું. આનાથી અંગદાન અંગે જાગૃતિનો અમારો હેતુ પણ સર થશે". ડો.કીર્તિ પટેલ (જીસીએસ હોસ્પિટલના ડિરેકટર)
વિનામૂલ્યે ઓપરેશન: હોસ્પિટલે વિનામુલ્યે ઓપરેશન કરવાની વાત કરી હતી. આ ખાનગી હૉસ્પિટલે ભાનુબહેન સુરેશ ડાગોદરાને પોતાની એક કીડની પુત્રને આપી શકાય તે માટે સમજાવ્યા અને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવાની વાત કરી હતી. ડો. વિવક કોઠારી, ડો. રવિ જૈન, ડો. આશિષ પરીખ, ડો. સૌરીન દલાલ, ડો. હિતેષ દેસાઈ, ડો. મહેન્દ્ર મૂલાણી, ડો. ભાવેશ અને ડો.બિપીન શાહ સહિતની ડોકટરોની ટીમે દર્દી અને કીડની દાતાનાં રિપોર્ટસનુ વિશ્લેષણ કર્યુ અને માતા અને પુત્રને ઓપરેશન માટે પ્રોત્સાહન આપ્યુ હતું.