અમદાવાદ : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશકુમાર દવે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી દાખલ કરી હતી. ત્યારે આ અરજીની સુનાવણી કરવાનો જસ્ટિસ સમીર દવેએ ઇનકાર કરી દીધો હતો અને પોતાને સુનાવણીમાંથી દૂર- નોટ બિફોર મી કર્યા હતાં.મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં એક પછી એક તમામ આરોપીઓ દ્વારા નિયમિત જામીન માટે અરજી કરવામાં આવી રહી છે. આ કેસમાં વધુ એક જામીન અરજી ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશકુમાર દવે દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
ઓરેવા કંપનીના મેનેજરની જામીન અરજી : ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશકુમાર દવે દ્વારા જે જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તે અરજીની સુનાવણી કરવાનો જસ્ટિસ સમીર દવે ઇનકાર કરી દીધો હતો અને તેમણે આ સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા છે. આરોપી દિનેશ કુમાર દ્વારા બીજી વખત આ નિયમિત જામીન માટેની અરજી કરવામાં આવી હતી.
આ પહેલાં પાંચ જામીન અરજી સાંભળી : અત્રે મહત્વનું છે કે અગાઉ જસ્ટિસ સમીર દવેએ આ કેસમાં પાંચ આરોપીઓની જામીન અરજીઓ સાંભળી હતી અને તેમને નિયમિત જામીન આપ્યા હતાં. જેમાં જામીન મેળવનારાઓમાં ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને બે બુકિંગ ક્લાર્કનો સમાવેશ થયો હતો. જોકે તેમને નિયમિત જામીન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ આરોપીઓનું ઘટનામાં કોઈ ખાસ મહત્વ ન હોવાનું પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ તરફથી જામીન મળ્યા હતાં. ત્યારે હવે મેનેજર દ્વારા કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણીમાંથી જસ્ટિસ સમિતિ દવેએ પોતાને દૂર કર્યા છે.
મુખ્ય આરોપી જયેશ પટેલની જામીન અરજી : નોંધનીય છે કે હજુ ગત સપ્તાહે જ ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને આ ઘટનાના મુખ્ય આરોપી જયેશ પટેલ દ્વારા પણ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી છે. આ અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મોરબી ઝૂલતા પૂલનો કોન્ટ્રાક્ટ તેમણે કોઈ મોટા વગદાર વ્યક્તિના કહેવાથી લીધો હતો. જે બાબતનો પણ સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાં ઉલ્લેખ થઈ શકે છે. ત્યારે નવા ખુલાસાઓ પણ થઈ શકે છે જેની ટૂંક સમયમાં સુનાવણી થશે.
ગત વર્ષે બની હતી ઘટના : વર્ષ 2022માં 30 ઓક્ટોબરે 135થી વધુ લોકો મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાએ પગલે સમગ્ર ગુજરાતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુઓમોટો અરજી દાખલ કરી હતી. ત્યારબાદ આ સમગ્ર કેસ તબક્કાવાર ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં હાઇકોર્ટેના આદેશથી પીડિતોને સરકાર તરફથી તેમજ ઓરેવા કંપની તરફથી વળતર પણ ચૂકવવામાં આવી દેવામાં આવ્યું છે.