અમદાવાદ: આઇટી વિભાગ ફરી એક વાર સક્રિય થયું હોય તેમ અમદાવાદ શહેરમાં જાણીતા બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી IT વિભાગની અલગ અલગ ટીમોએ એક સાથે જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર દરોડા પાડી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
35થી 40 સ્થળો પર દરોડા: અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપ સ્વાતિ બિલ્ડકોનની તમામ ઓફિસે અને ભાગીદારોની ઓફિસે તેમજ ઘરે એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ ઉપર ITની ટીમો તપાસમાં લાગી છે. સાથે જ અમદાવાદમાં 35થી 40 સ્થળો પર દરોડા અને સર્વેનું ઓપરેશન હાથ ધરાયું છે. ITના ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે.
મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના: મહત્વનું છે કે કરોડો રૂપિયાની કર ચોરીની માહિતીના આધારે ITએ આ રેડ પાડી હોય તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. હાલ તો ઇન્કમ ટેક્સ વિભાગે ઓફિસ અને ઘરમાં દરોડા પાડી જરૂરી દસ્તાવેજ, દાગીના, રોકડ રકમ, બેન્ક એકાઉન્ટ સહિતની તપાસ હાથ ધરી છે. આગામી બે દિવસ આ સર્ચની કાર્યવાહી શરૂ રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.