અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા આરોપી પ્રજ્ઞેશ પટેલને આજે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગઈકાલે આરોપીઓએ કોર્ટ સમક્ષ ફરિયાદ કરતાં કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે જણાવ્યું હતું. બંને આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.
સરકારી વકીલે શું કહ્યું: સરકારી એડવોકેટ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'બંને આરોપીઓને આજે કોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. પિતા અને પુત્રને કોર્ટ રૂમમાં ઉપસ્થિત કરવામાં આવતા કોર્ટે પૂછ્યું હતું કે બોલો શું ફરિયાદ છે? આરોપી પ્રજ્ઞેશ પટેલે જેલ ઓથોરીટીવાળા કોર્ટનો આદેશ છતાં પણ ઘરનું ટિફિન નહીં આપતા હોવાની ફરિયાદ કરી હતી. જેમાં હવે કોર્ટના આદેશ પ્રમાણે આજથી આરોપી પ્રજ્ઞેશ પટેલને ઘરની જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.
કોર્ટ સમક્ષ ફરિયાદ: આ સાથે જ જેલ ઓથોરીટીવાળા વકીલને નહીં મળવા દેતા હોવાની પણ ફરિયાદ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. કોર્ટે પ્રશ્ન કર્યા હતા કે કેમ આરોપીઓને વકીલ મળવા દેવામાં આવતા નથી. જેના જવાબમાં જણાવ્યું હતું કે, દર વખતે અલગ અલગ નામ હોવાથી ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. આ સાથે જ કોર્ટે બંને આરોપીઓને વકીલોના મળવાનો 30 મિનિટનો સમય આપ્યો હતો. જેમાં બંને પિતા અને પુત્રએ વકીલો સાથે ચર્ચા પણ કરી હતી.
આરોપીના વકીલની રજૂઆત: આરોપીના વકીલ જીલ શાહે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તથ્યને જેલમાં રહીને અભ્યાસ કરવા માટે મંજૂરી માંગી છે. જેના જવાબમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ કેસમાં વકીલ તરીકે પહેલા વકીલ પત્ર રજૂ કરો ત્યારબાદ આ રજૂઆત સાંભળવામાં આવશે. તથ્ય પટેલ આજે એકદમ જ નવા લુકમાં જોવા મળ્યો હતો. તેમજ તેણે નંબરના ચશ્મા પહેર્યા હોય તેવું પણ જોવા મળ્યું હતું. જોકે અત્રે મહત્વનું છે કે ચાર્જ શીટમાં તથ્ય પટેલની આંખમાં કોઈપણ પ્રકારની ખામી ના હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં વધુ આગળની કાર્યવાહી ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં પહેલી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.