અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ સામે કાયદાનો ગાળીયો વધુમાં વધુ કસાતો જાય છે. ઈસ્કોન અકસ્માત કેસમાં કોર્ટે તથ્ય પટેલને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો છે. તેવામાં તથ્ય પટેલ સામે ગાંધીનગર જિલ્લામાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ગત 31મી ડિસેમ્બરના રાતનાં સમયે તથ્ય પટેલે જેગુઆર ગાડી કલોલ તાલુકાના વાંસજડા ગામમાં મંદિરમાં અથડાવી મંદીરને નુકસાન પહોંચાડ્યું હતું.
વધુ એક ચોંકાવનારો ખુલાસો: ગાંધીનગરના સાંતેજ પોલીસની હદમાં તથ્ય પટેલે કરેલા અકસ્માતની વાત કરીયે તો 31મી ડિસેમ્બરે રાતનાં સમયે કલોલ તાલુકામાં આવતા વાંસજડા ગામમાં બેફામ રીતે કાર હંકારીને ગામની ભાગોળે સાણંદ જતા રોડ પર આવેલા બળીયાદેવનાં મંદિરના પિલરને ટક્કર મારી હતી. જેના કારણે મંદિરમાં 20 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું.
વધુ એક ફરિયાદ: આ મામલે પૂર્વ સરપંચ અને હાલ તલાટી વહીવટકર્તા તરીકે કાર્યરત મણાજી પ્રતાપથી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. જે તે સમયે આ ઘટના બની ત્યારે અકસ્માત કોણે કર્યો તે બાબતની જાણ તેઓને ન હતી પરંતુ તથ્ય પટેલની અમદાવાદ પોલીસે ધરપકડ કરી તપાસ કરતા તેણે આ ગુનાની કબૂલાત કરતા અંગે ગુનો નોંધાયો છે.
ગુનાની કબૂલાત: નબીરા તથ્ય પટેલને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે જેગુઆર ગાડી ગિફ્ટમાં આપી હોવાનો ખુલાસો થયો છે. કંપનીના ભાગીદારના નામે ગાડી લઈને દીકરાને ગિફ્ટમાં આપી હોવાનો ખુલાસો થયો છે. આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી ડાભીએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, હાલ વધુ તપાસ ચાલુ છે. તથ્ય પટેલે ગુનાની કબૂલાત કરતા આ અંગે પૂર્વ સરપંચે ફરિયાદ નોંધાવી છે.