અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવ લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલે હવે જેલમાંથી બહાર નીકળવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્ય દ્વારા રેગ્યુલર જામીન અરજી ફાઇલ કરવામાં આવી છે.
રેગ્યુલર જામીન માટે તથ્ય પટેલની અરજી: નિશાર વૈધએ જણાવ્યું હતું કે આ અરજી ઉપર પર આવતીકાલે સુનાવણીની શક્યતાઓ છે. આ અરજીમાં તથ્યના વકીલ દ્વારા તથ્યને જે અકસ્માત વખતે ઇજા થઈ હતી તેના કાગળો પણ રજૂ કરવામાં આવશે. આરોપી તથા પટેલ સામે ચાર્જશીટ દાખલ થયા બાદ આ જામીન અરજી ફાઈલ કરવામાં આવી છે. કોઈપણ આરોપીઓને જામીન મેળવવા માટે બંધારણીય અધિકાર હોય છે તે રીતના આ જામીન અરજી મૂકવામાં આવી છે.
વચગાળાની જામીન માટે પ્રજ્ઞેશ પટેલની અરજી: મહત્વનું છે કે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે અગાઉ રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી જેને કોર્ટે નકારી દીધી છે. ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલ દ્વારા મેડિકલ ગ્રાઉન્ડ ઉપર વચગાળાના જામીન માંગવામાં આવ્યા છે જેમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે તેની પર ચૂકાદો આવશે. આવતીકાલે જ તથ્યની રેગ્યુલર જામીન ઉપર પણ સુનાવણી થઈ શકે છે. પિતા અને પુત્રને કોર્ટમાંથી રાહત મળે છે કે નહીં તે જાણવું ખૂબ જ રસપ્રદ બની રહેશે.
24 ઓગસ્ટે સેશન્સ કોર્ટમાં કાર્યવાહી: થોડા દિવસ પહેલા અત્રે નોંધનીય છે કે પિતા અને પુત્રને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સેશન્સ કોર્ટમાં આ કેસ ચલાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે 24 ઓગસ્ટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ કાર્યવાહી શરૂ થશે. જ્યારે બંને આરોપીઓને કોર્ટમાં ઉપસ્થિત રખાશે. તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 24 મોટર વ્હિક્લ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. જેમાં તથ્યને મિત્રો, ઘાયલો, મૃતકોના સગા સહિત 191 જેટલા સાહેદો છે.