ગાંધીનગર : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આજે ઓસ્ટ્રેલિયા અને ભારતની અંતિમ ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિહાળી રહ્યા છે. વહેલી સવારથી જ દર્શકો મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત સુરક્ષાની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ દ્વારા 5000 જેટલા સુરક્ષાકર્મીઓને સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યા છે. દર્શકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ક્રિકેટ મેચ જોવા આવનારા ફેન્સ મોદીના ફેસકટ પહેરીને સ્ટેડિયમ પહોંચ્યા હતા.
બન્ને દેશના વડાપ્રધાન મેચ જોવા માટે રહ્યા હાજર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા માટે પહોચી ચૂક્યા છે. તેમજ તેમણે બન્ને દેશના ખેલાડીઓ સાથે મુલાકાત પણ કરી હતી. IPS અધિકારી સુશીલ અગ્રવાલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારથી સ્ટેડિયમ ખાતે દર્શકોનો જમાવડો શરૂ થયો હતો અને ક્રિકેટ પ્રેમીઓને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા 5000 જેટલા પોલીસ કર્મચારીઓને સુરક્ષામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે સુરક્ષાની દ્રષ્ટિએ સ્ટેડિયમ તરફ આવતા તમામ રસ્તાઓને વિહિકલ ઝોન જાહેર કરવામાં પણ આવ્યા છે.
સુરક્ષા માટે પોલિસકર્મીઓ ખડે પગે : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને ફેન્સ દ્વારા જે પાણીની બોટલ અને રાષ્ટ્રધ્વજને લહેરાવા માટે જે દંડીનો ઉપયોગ કરવામાં આવે છે. તે દંડી અને પાણીનો બોટલને પણ સુરક્ષાના અર્થે બહાર મૂકાવામાં આવ્યા છે. આમ કોઈપણ ફેન્સને પ્રતિબંધિત વસ્તુઓ અને પાણીની બોટલ લઈ જવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી સ્ટેડિયમની બહાર આવેલા તમામ ડસ્ટબી પાણીની બોટલ અને ડંડાઓથી ફૂલ થઇ ગયા છે.
દર્શકો ભેગા કરવા માટે ભાજપાએ કરી ખાસ વ્યવસ્થા : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમનારી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને હાજરી આપી છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આમ તમામ વોર્ડમાંથી ભાજપ પક્ષે કાર્યકર્તાઓ માટે વોલીએન્ટર પાસ આપીને સ્ટેડિયમમાં પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે અન્ય જિલ્લામાંથી એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી.