અમદાવાદ: આગામી મ્યુનિસિપાલટીની ચૂંટણી પહેલાં અમદાવાદ શહેર ફરતે આવેલી બોપલ-ઘૂમા નગરપાલિકા ઉપરાંત ગ્રામ પંચાયતનો મ્યુનિસિપાલટીની હદમાં સમાવેશ કરવા શાસક ભાજપે સ્ટે.કમિટીમાં દરખાસ્ત કરી હતી જેમાં આજે રાજ્યસભાએ દરખાસ્ત મંજૂર કરી છે.
અમદાવાદ મહાનગરપાલિકાની આસપાસનાં વિસ્તારોમાં રહેણાક અને બિનરહેણાક પ્રકારનાં બાંધકામો મોટી સંખ્યામાં થઇ રહ્યાં છે. ચારેબાજુ વસ્તી વધી રહી છે અને તેમની અવરજવર અમદાવાદ શહેરમાં જ થતી હોય છે. શહેરની નજીકનાં પાલિકા અને પંચાયત વિસ્તારોમાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં કે વિકાસનાં કામો કરવામાં એક મર્યાદા આવી જતી હોય છે, જ્યારે આ મામલે મ્યુનિસિપાલટીમાં મોટી મશીનરી અને જવાબદારી નિભાવવામાં આવે છે.
મ્યુનિ.હદમાં રહેતાં નાગરિકોને પાણી, ગટર, રોડ, સ્ટ્રીટલાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓ નજીવા ટેક્સ ભરવાથી પ્રાપ્ત થાય છે તેમજ કરોડો રૂપિયાનાં ફ્લાયઓવર, બાગબગીચા, જિમ્નેશિયમ, લાઇબ્રેરી, હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રો સહિત અનેક પ્રકારનાં વિકાસકાર્યોનો પણ લાભ મળે છે. જે પાલિકા-પંચાયતનાં નાગરિકોને મળતો નથી.આથી શહેર ફરતે આવેલી બોપલ-ઘૂમા નગરપાલિકા ઉપરાંત બીજા ગ્રામ પંચાયતોનાં નાગરિકોને પણ તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય અને વિસ્તારોનો યોગ્ય રીતે વિકાસ થાય તે માટે આ વિસ્તારોનો મ્યુનિસિપાલટીની હદમાં સમાવેશ કરવો હિતાવહ હતો.
અમદાવાદમાં બોપલ-ઘૂમા નગરપાલિકા ચિલોડા-નરોડા(સિટી), કઠવાડા, અમિયાપુર ગ્રામ પંચાયતોનો સમગ્ર વિસ્તાર મહાનગરપાલિકાની હાલની હદ અને રિંગ રોડ વચ્ચે આવતાં વિસ્તારો ધરાવતી ખોરજ, ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતપુર, બિલાસીયા, રણાસણ અને સુઘડ ગ્રામ પંચાયતની અમુક હદનો સમાવેશ કરવામાં આવ્યો છે.