- અમદાવાદની શાહપુરની સદુમાતાની પોળની અનોખી પ્રથા
- નવરાત્રિની દર આઠમે પુરુષો સ્ત્રી વેશે ગરબા રમે
- પોળની પરંપરા આજે પણ અકબંધ
અમદાવાદઃ ગરવી ગુજરાતની એક આગવી સંસ્કૃતિ છે. ગુજરાતના દરેક ગામડા અને શહેરમાં માતાજીના સ્થાનકો છે. તે દરેકની એક કથા અને એક પ્રભાવ છે. નવરાત્રિમાં દરેક ભક્ત પોતાના વતન જઈને માતાજીને નમતો હોય છે. અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં આવેલ સદુ માતાની પોળ સાથે પણ આવી જ એક કથા જોડાયેલ છે.
પોળ પરંપરા આજે પણ અકબંધ
અમદાવાદનો પૂર્વ વિસ્તાર ખૂબ જ જૂનો છે. તેની પોળ પરંપરા આજે પણ અકબંધ છે. અમદાવાદમાં બાદશાહના સમયમાં સદૂ માતા અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં લગ્ન કરીને આવ્યા હતા. કોઈક વ્યક્તિએ તેમના રૂપવાન સૌંદર્યની વાત બાદશાહને કહી, આથી બાદશાહ સદુ બા પર મોહી પડ્યા. બાદશાહે સદુ બા ને લેવા સિપાહીઓ મોકલ્યા. પરંતુ સદુ બા એ બાદશાહને વશ થવાને બદલે સતી થવાનું પસંદ કર્યું.
બારોટોએ સદૂ માતાની માફી માગી
સદૂ માતાએ પોતાના પતિને બાદશાહ પાસે જવા કરતા પોતાનું માથું ધડથી અલગ કરવા જણાવ્યું. પરંતુ તેમના પતિ તે કરી શક્યા નહીં. આથી સદુ માતાએ બારોટોને શ્રાપ આપ્યો. જેના પરચા અવાર-નવાર મળતા, બારોટોએ સદૂ માતાની માફી માગી. બારોટોએ નક્કી કર્યું કે, તેઓ સ્ત્રી વેશ ધારણ કરશે. નવરાત્રીની દર આઠમેં તેઓ સ્ત્રી વેશ ધારણ કરે છે.
સ્ત્રી વેશ ધારણ કરીને માતાજીની પૂજા અને ગરબા
દર નવરાત્રીની આઠમે આ પોળમાં રહેતા બારોટો અને તેમના વંશજો ગમે ત્યાં હોય પરંતુ તેઓ અહીં આવે છે. તેમની બાધા-માનતા પૂર્ણ થતાં, તેઓ સ્ત્રી વેશ ધારણ કરીને માતાજીની પૂજા અને ગરબા કરે છે. જો કોઈને બાળકની માનતા હોય તો તેને હાથમાં રાખીને ગરબા કરે છે. તેમની પત્નીઓ તેમને સ્ત્રી વેશ ધારણ કરાવે છે. માતાજીનું સત દરેક કોમના લોકોને સરખું ફળ આપે છે.
આ પણ વાંચોઃ રાજકારણમાં મોરાલિટી ખૂબ ડાઉન થઈ ગઈ છે : પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા
આ પણ વાંચોઃ ત્રણ વર્ષની બાળકીને લાલચ આપી રિક્ષાચાલકે શારીરિક અડપલાં કર્યા