અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે. અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ 2700થી વધુ મળી આવ્યા હતા. કેસ દિવસે ને દિવસે વધતાં કોર્પોરેશન આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. ઓગસ્ટમાં કોલેરાના 40 જેટલા કેસ નોંધાયા હતા. શહેરની અંદર રોગચાળો કાબૂમાં મેળવવા માટે AMC દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાથે હાલમાં દિવસમાં પણ અલગ અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે રોગચાળો કેસમાં વધારો છે.
પાણીજન્ય કેસ 1700ને પાર: અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો હતો. વરસાદે આરામ લીધા બાદ પાણીજન્ય પણ સામે આવી રહ્યા છે. જેમાં ઝાડા ઉલટીના 785, કમળાના 207, ટાઇફોઇડના 691 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં 1347 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 38 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 355 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 1 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.
મચ્છરજન્ય કેસ 1000ને પાર: અમદાવાદ શહેરના ઑગસ્ટ માસમાં મચ્છરજન્ય કેસ સંખ્યા 1000ને પાર પહોંચ્યા હતા. જેમાં સાદા મેલેરિયાના 229 ઝેરી મેલેરિયાના 20 કેસ, ડેન્ગ્યુના 805 અને ચિકનગુનિયાના 11 કેસ નોંધાયા હતાં. જ્યારે ચાલુ માસમાં લોહીના તપાસ માટે 3318 નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના સીરમના 215 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.
ઝાડા ઉલટીના 65 કેસ: સપ્ટેમ્બર માસના માત્ર ત્રણ દિવસમાં જ સાદા મેલેરિયાના 5 કેસ, ડેન્ગ્યુના 30 કેસ, ઝાડા ઉલટીના 65 કેસ, કમળાના 20, ટાઈફોઇડના 41 નોંધાયા છે. જોકે ડેન્ગ્યુના કેસને તેમજ ઝાડા ઉલ્ટીના માત્ર ત્રણ દિવસમાં જ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેથી આગામી સમયમાં પણ આ કેસ વધે તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે.