અમદાવાદઃ આ તળાવ બાંધવાની શરૂઆત ચાલુકયોના સમયથી થઈ હોવાની લોકવાયકા છે. જેને પૂર્ણ 1451માં સુલતાન કુતુબુદ્દીન અહમદશાહે કરાવ્યું હતું. અમદાવાદના મણિનગર ખાતે આવેલા આ તળાવનો ફેલાવો 72 એકર જેટલો છે. તેની લંબાઈ અને પહોળાઈ આશરે 560 મીટર જેટલી છે. તળાવની ઊંડાઇ 20 ફૂટ જેટલી છે. જ્યારે આ તળાવનું નિર્માણ થતું હતું, ત્યારે તેમાંથી કાંકરાઓ બહાર નીકળ્યા હોવાથી તેનું નામ કાંકરીયા તળાવ પડયું.
અમદાવાદીઓ તેમજ અમદાવાદમાં આવતા દેશ-વિદેશના પર્યટકો માટે કાકરિયા હંમેશા માનીતું સ્થળ રહ્યું છે. આજ કાંકરિયાની ડિઝાઇન ઉપરથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ પોતાનો લોગો તૈયાર કર્યો છે. કાંકરિયા તળાવના મધ્યમાં નગીનાવાડી નામનો એક નાનો બગીચો આવેલો છે. ઉનાળાના સમય દરમિયાન ગુજરાતના સુલતાન અને તેમની બેગમ આ બગીચામાં પોતાનો સમય પસાર કરતા હતા.