અમદાવાદ : દાણીલીમડામાં ત્રણ અસામાજીક તત્વોએ ટુ-વ્હીલર પર જઇ રહેલ હિન્દુ શખ્સ અને મુસ્લિમ યુવતીને રોકીને બિભત્સ ગાળો બોલીને ફટકારીને મોબાઇલ લૂંટી લીધો હતો. તેમજ ત્રણ શખ્સોએ લોકોને ભેગા કરીને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ઝઘડો થાય તેમજ ધર્મ વિશે લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય આચર્યુ હતુ. આ ઉપરાંત ત્રણેય શખ્સોએ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેનાથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે અરાજકતા ફેલાય તેવું કૃત્ય કર્યું હતું. આ અંગે દાણીલીમડા પોલીસે ફરિયાદ નોધીને ત્રણ શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
કોમી અશાંતિ ફેલાવતો પ્રયાસ : આ બનાવની મળતી માહિતી મુજબ બહેરામપુરામાં રહેતા કિશનભાઇ ઉર્ફે સુનીલ નાયડું નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 26 ઓગસ્ટના રોજ બપોરના સમયે તેઓ પાડોશમાં રહેતી મુસ્લિમ યુવતી સાથે ટુ-વ્હીલર પર રિવરફ્રન્ટથી પરત ઘરે આવતા હતા. ત્યારે દાણીલીમડા ચાર રસ્તા પાસે અકબર પઠાણ, ફૈઝાન શેખ અને હુસેન સૈયદ નામના ત્રણ શખ્સોએ તેમનું ટુ-વ્હિકલ ઉભું રખાવી નામની પૂછપરછ કરી હતી.
આ અંગે વિડીયો વાયરલ થતા આરોપીઓ સામે ગુનો દાખલ કરી 3 શખ્સોની ધરપકડ કરાઈ છે. જોકે આ કેસમાં વિડીયોમાં અન્ય લોકો પણ દેખાતા હોય તેઓની શોધખોળ હાથ ધરાઈ છે.-- મિલાપ પટેલ (ACP, કે ડિવિઝન-અમદાવાદ)
યુવક-યુવતીને માર માર્યો : ત્યારબાદ શખ્સોએ ટુ-વ્હીલર પર બેઠેલી મુસ્લિમ યુવતીને કહ્યુ કે, તું કિસ કી છોકરી હે. તેરે મા-બાપકો બુલાતે હૈ એમ કહીને માર માર્યો હતો. ત્યારબાદ શખ્સોએ કિશનને તું હિન્દુ હૈ ઔર હમારી મુસલમાન છોકરી કો ઘુમાતા હે, કહીને લોકોને ભેગા કરીને હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડો થાય તેવો માહોલ બનાવ્યો હતો. ધર્મ વિશે ઉશ્કેરી જનક શબ્દો બોલીને બિભત્સ ગાળો બોલીને શખ્સને ફટકારીને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. તેમજ ટોળાએ પણ શખ્સ અને મહિલાને ફટકાર્યા હતા.
આરોપી ઝડપાયા : તમામ શખ્સોએ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેનાથી હિન્દુ અને મુસ્લિમ લોકોને દુશ્મનાવટ થાય તેમજ લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય આચર્યુ હતુ. આ અંગે કિશને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.