અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે શુક્રવારે રિલીઝ થનારી હિન્દી ફિલ્મ 'ગુટલી લડ્ડુ'માં વાલ્મિકી સમુદાય માટે વપરાયેલ વાંધાજનક શબ્દો સંદર્ભે ફેંસલો કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને 24 કલાકનો સમય આપ્યો છે. ન્યાયાધીશ વૈભવી નાણાવટીએ સિનેમેટોગ્રાફ અધિનિયમ, 1952ની ધારા 6ના પ્રાવધાન હેઠલ CBFCને વાંધાજનક શબ્દો પર નિર્ણય કરવા માટે 24 કલાકનો સમય આપ્યો. આ ફિલ્મ 13મી ઓક્ટોબર શુક્રવાર રિલીઝ માટ તૈયાર છે. હાઈ કોર્ટના એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસની ભલામણથી હાજર થયેલ વકીલ સિદ્ધાર્થ દવેને કોર્ટના આદેશને CBFC સુધી પહોંચાડવાનો નિર્દેશ કરાયો.
ફિલ્મ નિર્માતાની દલીલઃ ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન ફિલ્મના અનેક નિર્માતાઓ પૈકીના એક યુવી ફિલ્મ્સે દલીલ કરી કે ફિલ્મને અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મને CBFCએ યુ સર્ટિફિકટ આપ્યું છે. યુ સર્ટિફિકેટ વાળી ફિલ્મોનું સાર્વજનિક પ્રદર્શન કરી શકાય છે. જેને કુટુંબ પણ સાથે બેસીને જોઈ શકે છે. આ અગાઉ 9મી ઓક્ટોબરે ન્યાયાધીશ નાણાવટીએ 'ગુટલી લડ્ડુ' હિન્દી ફિલ્મમાં વાલ્મિકી સમુદાય માટે વપરાયેલા આપત્તિજનક શબ્દો અંગે CBFC અને ફિલ્મ નિર્માતાઓને નોટિસ ફટકારી હતી. આ નોટિસ નિમેશ વાઘેલા દ્વારા કરવામાં આવેલ અરજી સંદર્ભે ફટકારવામાં આવી હતી. આ ફિલ્મમાંથી વાંધાજનક શબ્દો હટાવવા ઉપરાંત તેનું સર્ટિફિકેટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.
વાલ્મિકી સમાજની લાગણીને ઠેસઃ નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર જાહેર કર્યુ ત્યારે નિમેશ વાઘેલાએ ફિલ્મમાંથી વાંધાજનક શબ્દો દૂર ન થાય ત્યાં સુધી ફિલ્મને રિલીઝ ન કરવાની માંગણી પણ કરી હતી. આ ફિલ્મના વાંધાજનક શબ્દો સિનેમૈટોગ્રાફ અધિનિયમ, 1952ની સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંદર્ભના અધિનિયમ 1989નું પણ ઉલ્લંઘન કરે છે. આ અરજીમાં વાલ્મિકી સમાજની લાગણીને ઠેસ પહોંચી હોવાનો દાવો કરાયો છે.
મા દીકરા વચ્ચે સંવાદમાં વાંધાજનક શબ્દોઃ અરજીકર્તા અનુસાર ફિલ્મના વિષયનો કોઈ વિરોધ નથી, પંરતુ વાંધાજનક શબ્દોનો પ્રયોગ તેમજ ફિલ્મને મળેલા યુ સર્ટિફિકેટ સામે વિરોધ છે. ફિલ્મના ટ્રેલરમાં મા અને દીકરા વચ્ચેના સંવાદમાં આ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરાયો છે.
ફિલ્મમાં બાળકની પીડા દર્શાવાઈઃ અરજીમાં ફરિયાદ છે કે હિન્દી ફિલ્મ 'ગુટલી લડ્ડુ'માં વાલ્મિકી સમાજના એક બાળકની પીડાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ આપત્તિજનક શબ્દનો પણ વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી વાલ્મિકી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે. આ શબ્દો સાથે ફિલ્મ રિલીઝ થવી જોઈએ નહીં. દરેક માનવની ગરિમા, સમાનતા અને બંધુત્વને યોગ્ય માન મળવું જોઈએ.
ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતઃ અનુસૂચિ જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત આ વાંધાજનક શબ્દનો ઉપયોગ નિષેધ છે. અરજીકર્તાએ પોતાની રજૂઆત ભારતના રાષ્ટ્રપતિ,CBFCના ડાયરેક્ટર, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તેમજ ગુજરાતના મુખ્ય પ્રધાન સમક્ષ કરી છે. (PTI)