સુરત સેશન્સ કોર્ટે આરોપી નારાયણ સાંઈને 30મી એપ્રિલ 2019ના રોજ આજીવન કેદની સજા ફટકારી હતી, ત્યારબાદ ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે 90 દિવસ માટેનો સમય આપવામાં આવે છે. જોકે 90 દિવસ બાદના સમયમાં જો હાઈકોર્ટમાં નીચલી કોર્ટના ઓર્ડર સામે અપીલ કરવામાં આવે ત્યારે તેને કોન્ડોલેન્સ ઓફ ડિલે માટે મૂકવામાં આવે છે. જેમાં અપીલ કરવામાં વિલંબ કેમ થયું એ મુદ્દે કોર્ટમાં રજુઆત કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટ માન્ય રાખે ત્યારે જ આગળ સુનાવણી ધરી શકાય છે.
નારાયણ સાંઈ કેસમાં અપીલ કરવાનો 90 દિવસનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હતો અને ત્યારબાદ 30મી ઓગસ્ટ 2019ના રોજ હાઈકોર્ટમાં નચીલી કોર્ટના ઓર્ડર સામે અરજી દાખલ કરવામાં આવી હતી અને તેની સાથે કોન્ડોલેન્સ ઓફ ડિલેની અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે માન્ય રાખી છે.
ગત 30મી એપ્રિલના રોજ સુરત સેશન્સ કોર્ટ દ્વારા નારયણ સાંઈને દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા ફટકારાવામાં આવી હતી. પીડિત મહિલા વર્ષ 2002થી 2005ના સમયગાળા દરમિયાન જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આશ્રમમાં સાધિકા તરીકે રહેતી હતી. સુરતની ટ્રાયલ કોર્ટે નારાયણ સાંઈને પીડિતાને 5 લાખ રૂપિયાનો વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો હતો.
હાઈકોર્ટમાં દાખલ અપીલ અરજીમાં નારાયણ સાંઈ તરફે દલીલ કરવામાં આવી છે કે, પીડિતા અને તેની મોટી બહેન પિતા - પુત્ર સામે ષડયંત્ર રચી રહી છે. ઉલ્લેખનીય છે કે, પીડિતાની મોટી બહેનને નારાયણ સાંઈના પિતા આસારામ બાપુ પર દુષ્કર્મ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમની વિરૂધ ખોટા કેસ કરવામાં આવ્યા હોવાની રજુઆત કરવામાં આવી હતી. આસારામ પર ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. સાંઈએ પીટિશનમાં જણાવ્યું હતું કે, દુષ્કર્મ જેવી કોઈ ઘટના બની જ નથી. FIR પણ આશરે 10 વર્ષના લાંબાગાળા બાદ દાખલ કરવામાં આવી છે. અધુરા પુરાવવા આખી FIR સામે પ્રશ્નો સર્જે છે, જેથી નીચલી કોર્ટનો આદેશ રદ્દ થવો જોઈએ. ટ્રાયલ કોર્ટે નારાયણ સાંઈ સિવાય ગુનામાં મદદગારીના ભાગરૂપે સંડોવાયેલા ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા, જમુના સહિત 3 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.