અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. જેમાં જીમમાં જતી યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરી જીમ ટ્રેનરે લિફ્ટમાં શારીરિક અડપલાં કરી તેમજ ન્યૂડ ફોટો માંગી હેરાન કરતા અંતે આ બાબતને લઈને પોલીસે છેડતીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 28 વર્ષીય યુવતી પતિ સાથે રહે છે અને ટુ-વ્હીલર વેચવાનો વેપાર કરે છે. યુવતીના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા અને તેનો પતિ વકીલાતનું કામ કરે છે.
જાનથી મારી નાખવાની ધમકી: 21 મી મેના રોજ યુવતી સાંજે 4 વાગ્યે જિમમાં કસરત માટે જતી હતી ત્યારે લિફ્ટથી પાંચમા માળે જઈ રહી હતી. લિફ્ટમાં તેની સાથે જેમ ટ્રેનર નિલેશ ચૌહાણ પણ હતો. લિફ્ટમાં અચાનક જ નિલેશ ચૌહાણે યુવતીના શરીરના ભાગે ગંદી રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. જેથી યુવતીએ તેને ધક્કો મારીને દૂર કરતા તેણે યુવતીના શરીરે વધુ સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ ના પાડતા અને આ અંગે પતિને જાણ કરવાનું કહેતા નિલેશ ચૌહાણ એ પતિને કહેતી નહીં નહિતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના કારણે યુવતી ડરી જતા અંગે પતિને જાણ કરી ન હતી.
ન્યૂડ ફોટોની માગ: જે બાદ બીજા દિવસે 22મી મેના રોજ સાંજના સમયે યુવતી જીમમાં ગઈ હતી. એકાદ કલાક કસરત કરીને તે થાકી ગઈ હોય ત્યાં બેઠી હતી ત્યારે જીમ ટ્રેનર નિલેશ ચૌહાણ તેની પાસે આવ્યો હતો અને વજન કેટલું ઉતાર્યું છે તે જોવા માટે તમારી આજની અને છ મહિના બાદનો ફોટાની માગ કરી હતી. યુવતીએ થોડીવાર પછી આજનો ફોટો મોકલી આપીશ તેવું કહેતા નિલેશ ચૌહાણએ એવો ફોટો નહીં તમારે કપડાં કાઢીને ફોટો આપવો પડશે તેમ કહેતા યુવતીએ ઈન્કાર કર્યો હતો અને તે એરોબિકસના ક્લાસમાં જતી રહી હતી.
લિફ્ટમાં અડપલાં: થોડીવાર બાદ જીમ ટ્રેનર નિલેશ ચૌહાણ એ યુવતીને બોલાવી હતી અને કામ છે તેવું કહીને નીચે લઈ ગયો હતો અને લિફ્ટમાં લઈ જઈ ફરીવાર તેને શરીર ઉપર ગંદી રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. થોડીવારમાં લિફ્ટ નીચે પહોંચી જતા લિફ્ટનો દરવાજો ખૂલે અને યુવતી બહાર નીકળે તે પહેલા જ નિલેશ ચૌહાણે ફરી લિફ્ટમાં પાંચમા માળનું બટન દબાવી દીધું હતું અને લિફ્ટ ફરી ઉપર જવા લાગી હતી. તે દરમિયાન પરિવાર નિલેશ ચૌહાણએ યુવતીના શરીરે સ્પર્શે કરીને અડપલા કર્યા હતા અને પકડવાની કોશિશ કરી હતી.
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ: જોકે યુવતીએ તેને ધક્કો મારી દૂર કર્યો હતો અને પાંચમા માળે ત્યારે પહોંચતા દરવાજો ખુલી જતા યુવતી બહાર ન નીકળે તે હેતુથી નિલેશે તેનો હાથ પકડી રાખ્યો હતો અને યુવતી જેમ તેમ તેમ તેને છોડાવીને લિફ્ટની બહાર નીકળી હતી. જે બાદ તેણે તરત જ પતિને ફોન કરીને જાણ કરતા પતિ ઘટના સ્થળે આવ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આરોપી ઝડપાયો: આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ વણઝારાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે ગુનો નોંધાતા પોલીસે તપાસ કરી ગુનામાં સામેલ આરોપીને ઝડપી પાડ્યો છે, તેની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરાઈ છે.