અમદાવાદ: અરબી સમુદ્રમાં એક સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતાં ગુજરાત પર આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે વેસ્ટ ટ્રફના કારણે આગામી 7 દિવસ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે આવનારા 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપરએર સાઈક્લોનિક સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 19થી 20 જુલાઈની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જોકે અત્યાર સુધી વરસાદના બે રાઉન્ડમાં ચાલુ મહિને સામાન્ય કરતા ૧૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે.અને હજુ પણ ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી શકે છે.
અતિવૃષ્ટિની સંભાવના: ગુજરાતમાં આગામી 20 જુલાઈએ દક્ષિણ ભાગમાં વરસાદની સંભાવના છે. જ્યારે આગામી 18થી 28 જુલાઈ વચ્ચે રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આગામી 21થી 24 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 21થી 24 જુલાઈ દરમિયાન કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો વરસાદ થઈ શકે છે.
તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના: ફરીથી હવામાન વિભાગે ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે જેમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચોમાસામાં બે રાઉન્ડમાં વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ હવે ત્રીજા રાઉન્ડમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની ભારે અસર થશે ઉપરાંત રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
63 ટકા વરસાદ નોંધાયો: જોકે આજે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન થતાં વડોદરા, છોટા ઉદેપુર અને દાહોદમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ચોમાસુ શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદ 63 ટકા જેટલો નોંધાયો છે. ગુજરાત પર વરસાદી ત્રણ જેટલી સિસ્ટમ્સની અસર થવાથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.
116 તાલુકામાં વરસાદ: આગામી 7 દિવસોમાં હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાઓ વ્યક્ત કરી છે. હાલ રાજયના 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડભોઈમાં અઢી ઈંચ, લીમખેડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. દાહોદ અને સંખેડામાં પણ અઢી-અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર: હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહશે. જેમાં આજે સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે 18 જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.