અમદાવાદ : ગુજરાતમાં હવે વિધિવત શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં હવે વહેલી સવારે ઠંડી પણ નોંધાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીના સ્તરને લઈને આગાહી કરી છે. ગુજરાતના સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં ઠંડીની સાથે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલમાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર વડોદરા બન્યું છે.
શિયાળાની શરૂઆત : હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. જેને લીધે રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. તેમજ તાપમાન પણ યથાવત રહેશે. જોકે, તાપમાનમાં 1 કે 2 ડિગ્રી સુધી ફરક આવી શકે છે. જ્યારે હાલમાં રાજ્યમાં રાત્રે 20 ડિગ્રી જ્યારે દિવસે 36 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. ગત રાત્રે સૌથી ઓછું વડોદરામાં 18 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં રાત્રીમાં 20 ડિગ્રી અને ગાંધીનગરમાં રાત્રી દરમિયાન 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી : જોકે હવે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સાથે ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં ભેજના કારણે વાદળ અને ધુમ્મસનું વાતાવરણ રહી શકે છે. જોકે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહિ હોવાને કારણે અને ઉત્તર પૂર્વીય પવનના કારણે માત્ર ઠંડીનું વાતાવરણ જોવા મળશે. ગુજરાતમાં ઠંડીની શરૂઆત સાથે શિયાળાએ વહેલી સવારથી પોતાની હાજરી નોંધાવતા હવે ઠંડીનો પારો સતત નીચે આવી રહ્યો છે. પરંતુ હજુ કડકડતી ઠંડી માટે એકાદ મહિનો રાહ જોવી પડશે. જ્યારે હાલ વાતાવરણમાં એકસમતા જળવાઈ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સૌથી ઠંડુ શહેર : ગુજરાતમાં ડિસેમ્બર માસમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોને કારણે ઠંડી વધવાની શક્યતા છે. જ્યારે નવેમ્બર માસના અંત સુધીમાં ઠંડી પોતાનું જોર વધારશે અને આવનારા દિવસોમાં કડકડતી ઠંડી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે. હાલ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર ન રહેવાની આગાહી સાથે હવામાન વિભાગે ગુજરાતમાં તે પછીના દિવસોમાં તાપમાન નીચું જવાની શક્યતા વ્યક્ત કરી છે.