અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ સમન્સને રદ કરવા માટે તેમણે અમદાવાદ સેસન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સેસન્સ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
અરજી કોર્ટે ફગાવી દિધી : આ કેસમાં ગઇકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરવિંદ કેજરીવાલના વકીલ સોમનાથ વત્સ દ્વારા અર્જન્ટ હિયરીગની માંગ તેમજ હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવે તેવી અરજી દાખલ કરી હતી જેને આજે સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. ગઇકાલની સુનાવણીમાં યુનિવર્સીટી વતી એડવોકેટ અમિત નાયર ઉપસ્થિત રહ્યા હતા. જો કે કેજરીવાલના વકીલ સોમનાથ વત્સ દ્વારા અરજન્ટ હિયરિંગની માંગને કોર્ટે નકારી દિધી હતી. તેમજ મેટ્રો કોર્ટને અપાયેલ અન્ડરટેકિંગ મુજબ આગળની કાર્યવાહી થવા દેવા જણાવ્યું હતું.
સેશન્સ કોર્ટે વચગાળાની રાહતની અરજી ફગાવી : અત્રે મહત્વનું છે કે, સેશન્સ કોર્ટમાં જ્યારે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની વચગાળાની રાહત માંગતી અરજી કરવામાં આવી હતી ત્યારે યુનિવર્સીટી અને રાજ્ય સરકારને નોટીસ મળી હતી. ત્યારે યુનિવર્સિટી તરફથી વકીલ રોકવા માટે 20 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહએ વચગાળાની રાહત માંગતી અરજી કરી હતી, ત્યારે સેશન્સ કોર્ટે આ અરજીમાં મહત્વનું અવલોકન કર્યું હતું કે, બંને નેતાઓ વતી તેમના વકીલે 11 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત રહેવા બાંહેધરી આપી છે અને હવે તેઓ ઉપસ્થિતિમાંથી મુક્તિ માંગી રહ્યા છે. આથી 05 ઓગસ્ટે ચુકાદો આપતા સેશન્સ કોર્ટે તેમની વચગાળાની રાહતની અરજી ફગાવી દિધી હતી.
આગામી સુનાવણી આ તારીખે હાથ ધરવામાં આવશે : હવે આ કેસમાં મેટ્રો કોર્ટમાં 31 ઓગસ્ટે સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી હાથ ધરાશે. હાઇકોર્ટમાં 29 ઓગસ્ટે સુનવણી નક્કી કરાઈ છે. જ્યારે સેશન્સ કોર્ટમાં 16 સપ્ટેમ્બરે વધુ સુનવણી હાથ ધરવામાં આવશે.