અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં ગુજરાત હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મેર્ટો કોર્ટના સમન્સ રદ્દ કરવા અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ મામલે સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મેટ્રો કોર્ટ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સામે સમન્સ જાહેર કર્યા હતા. આ સમન્સને અરવિંદ કેજરીવાલે સેશન્સ કોર્ટમાં પડકાર્યા હતા. જોકે સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલને કોઈપણ પ્રકારની રાહત ના આપતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે મામલે આજે સુનાવણી હાથ ધરાઈ હતી.
અમદાવાદ સેશન્સ કોર્ટે રાહત ન આપી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટીએ કરેલા બદનક્ષી કેસમાં વચગાળાની રાહત મેળવવા માટે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુનાવણી દરમિયાન સેશન્સ કોર્ટે કેજરીવાલને કોઈ પણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રો કોર્ટમાં પણ 11 તારીખે જ ઉપસ્થિત રહેવા માટે સમન્સ આપવામાં આવ્યું હતું. જેથી અરવિંદ કેજરીવાલ દ્વારા અર્જન્ટ મેટરમાં ગુજરાત હાઇકોર્ટમાં આ રીટ દાખલ કરવામાં આવી હતી અને અર્જન્ટ હિયરિંગની માંગ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો: 31 માર્ચ, 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો અને ફરિયાદીને ડિગ્રી ન બતાવવા કહ્યું. આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 1 એપ્રિલ 2023ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાનની ડિગ્રીને લઈને અયોગ્ય શબ્દો કહ્યા હતા. આ બાબત ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી. બીજા દિવસે 2 એપ્રિલે સંજય સિંહે વડાપ્રધાનની ડિગ્રીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેની માહિતી પણ ટ્વિટર હેન્ડલ પર મૂકી હતી. આ પ્રેસ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કેજરીવાલ સામે બદનક્ષીની ફરિયાદ: ગુજરાત યુનિવર્સિટીવતી મહામંત્રી ડો.પીયુષ પટેલે મેટ્રો કોર્ટમાં કેજરીવાલ સામે બદનક્ષીની ફરિયાદ કરી છે. તે મુદ્દે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત સુનાવણીમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ભારે વરસાદને કારણે દિલ્હીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં ઈમરજન્સી બેઠકો ચાલી રહી છે. જેના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના સાંસદ સંજય સિંહને હાજર રહેવાથી મુક્તિ આપવામાં આવે. યુનિવર્સિટીના વકીલે પણ આ મુદ્દે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો.
ગુજરાત હાઈકોર્ટનો સ્ટે આપવાનો ઈન્કાર: જોકે મેટ્રો કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના 2018ના આદેશ અનુસાર, ધારાસભ્યો અને સાંસદો સામેના કેસોની સુનાવણી સમયસર અને ઝડપી રીતે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલા માટે 15 દિવસમાં સુનાવણી કરવી પડશે. આથી મેટ્રો કોર્ટે અરવિંદ કેજરીવાલને 11 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. આ મામલે અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સને રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર સ્ટે આપવાનો કોર્ટે ઈન્કાર કર્યો છે.