અમદાવાદ : ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનો વધુ એક ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે.ચોમાસુ પૂરું થવા આવ્યું છે. ત્યારે ભાદરવા મહિનામાં ગુજરાત માથે ફરી વરસાદ આફત બનીને વરસી રહ્યો છે.
લો પ્રેશરની અસરમાં વરસાદ : પૂર્વ મધ્યપ્રદેશમાં સર્જાયેલું લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનમાં થઈ ગુજરાત તરફ ફંટાયું છે. જેને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે હાલ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.ત્યારે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
રેડ એલર્ટ વિસ્તાર : સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ બાદ આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતના બનાસકાંઠા, પાટણ મહેસાણા, મોરબી અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી : આજે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં પણ આજે ભારે વરસાદ રહેશે. સાથે અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
જળબંબાકારની સ્થિતિ : ગુજરાતમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. તો પંચમહાલમાં ગઈ કાલે સૌથી વધુ 24 cm વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ કચ્છ, પાટણ અને મોરબીમાં આવતીકાલે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હજુ પણ ભારે વરસાદ પડશે : આવતી કાલે એટલે કે 19 સપ્ટેબરે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલમાં જોવા જઈએ તો વરસાદને કારણે સમગ્ર ગુજરાત જળબંબાકાર બની ગયું છે. ગુજરાતના મોટા ભાગના ડેમો ભયજનક સપાટી વટાવી ચૂક્યા છે અને મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જનજીવન તથા વાહન વ્યવહારને પણ અસર થઈ છે.
102 ટકા વરસાદ પડી ગયો : જો કે ચોમાસાની સીઝનનો અત્યાર સુધી 102 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હજુ પણ આગામી દિવસોમાં આ આંકડો વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે હાલ તો આગામી 20 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.