અમદાવાદઃ ગુજરાતમાં સીઝનનો 115 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આજે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. જો કે હવામાન વિભાગે વરસાદના આ રાઉન્ડમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.
દક્ષિણ પાકિસ્તાનમાં વરસાદી સિસ્ટમ સક્રિયઃ હાલ સુષુપ્ત થયેલી વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય બની છે. ચોમાસાની વિદાય પહેલા જ દક્ષિણ પાકિસ્તાનમાં અને કચ્છને અડીને એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વરસાદી સિસ્ટમને પરિણામે ગુજરાતનું હવામાન પલટાયું છે. જેના કારણે આગામી બે દિવસ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે.
દક્ષિણ પાકિસ્તાન અને કચ્છની નજીક એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડી શકે છે...રામાશ્રય યાદવ (વૈજ્ઞાનિક, હવામાન વિભાગ)
ક્યાં પડશે ભારે વરસાદઃ આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં આજે ભારે વરસાદની સંભાવનાઓ છે. જયારે આવતીકાલે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા જોવા મળી છે. આ દિવસો દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા છે.
115 ટકા વરસાદ પડ્યોઃ અત્યારે આકાશ સ્વચ્છ છે, તડકો પણ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદનું તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું છે. આવનારા બે દિવસમાં વરસાદને લીધે શહેરનું તાપમાન ઘટશે. આ વર્ષે રાજ્યમાં સીઝનનો 115.5% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને રાજ્યની મોટાભાગની નદીઓ અને ડેમો પણ ઓવરફ્લો સ્થિતિ સુધી પહોંચી ગયા છે.