અમદાવાદઃ રાજ્યમાં કેટલીક શાળાઓમાં આજે પણ ગુજરાતી ભાષા ન ભણાવાતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. તેની પર આજે સુનાવણી થઈ હતી. જોકે, ગુજરાતી ભાષા ન ભણાવતી શાળાઓ સામે હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. સાથે જ હાઈકોર્ટે સરકારને અત્યાર સુધી કયા પગલાં લીધા અને કેવી કામગીરી કરી તેના પર વેધક સવાલ પૂછ્યા હતા. ઉપરાંત હાઈકોર્ટે સરકારને સખત પગલાં લેવા પણ કહ્યું છે.
આ પણ વાંચો Gujarat High Court શાળામાં ગુજરાતી ભાષા ન ભણાવવાનો વિવાદ, HCએ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી
શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલા લઈશુંઃ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. સરકારે કહ્યું હતું કે, અરજદારે સરકારને સૂચિત કરેલી ગુજરાતી ભાષા ન ભણાવતી શાળાઓને નોટિસ ફટકારી છે. સાથે જ ગુજરાતી ભાષા ન ભણાવતી શાળાઓની માન્યતા રદ કરવા સુધીના સરકાર પગલાં લેશે તેવો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સરકારે પગલાં લીધા પણ હજી સ્થિતિ જૈસે થે જેવીઃ તો અરજદારે પણ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કેટલીક હકારાત્મક કાર્યવાહી થઈ રહી છે. તેમ છતાં પણ હજી પણ કેટલીક શાળાઓમાં ગુજરાતી ભાષાનો અભ્યાસ કરાવવામાં આવતો નથી.
ગુજરાતી ભાષા ભણાવવામાં શું જોર આવે છે: HCનો પ્રશ્નઃ આ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવીને સરકાર પાસે ગુજરાતી ન ભણાવતી હોય તેવી શાળાઓની યાદી માગી છે. તેમ જ સરકારે અત્યાર સુધીમાં શું કામગીરી કરી છે તેવા પણ સરકારને સવાલ પૂછ્યા હતા. સાથે જ ગુજરાતીનો અભ્યાસ કરાવવામાં સ્કૂલોને શું તકલીફ છે તેમ કહી ગુજરાતી ન ભણાવતી હોય તેવી શાળાઓ સામે હાઇકોર્ટે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો Gujarat High Court શાળામાં ગુજરાતી ભાષા ન ભણાવવાનો વિવાદ, HCએ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી
સરકારના પરિપત્રનો નથી થતો અમલઃ મહત્વનું છે કે, ગત સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, ગુજરાતી નહીં ભણાવતી સ્કૂલોની NOC મંજૂર કરવા મામલે સરકારે યોગ્ય મિકેનિઝમ ગોઠવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં માતૃભાષા અભિયાન સંસ્થા દ્વારા જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે, રાજ્યની કેટલીક પ્રાથમિક શાળામાં ગુજરાતી માતૃભાષા ભણાવતી જ નથી. સરકારે 13મી એપ્રિલ 2018ના રોજ જે પરિપત્ર કર્યો હતો કે, પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાતપણે તબક્કાવાર ભણાવવામાં આવે એવા સરકારના પરિપત્રનો અમલ પણ થતો નથી.