અમદાવાદઃ વર્ષ 2009 કાગડપીઠ લઠ્ઠાકાંડના મુખ્ય બે આરોપી જયેશ ઠાકર અને વિનોદ ડાગરીના ગુજરાત હાઈકોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. આ કેસમાં આગામી આદેશ ન થાય ત્યાં સુધીના વચગાળા જામીન મંજૂર કર્યા છે. આ મામલે વધુ સુનાવણી 31મી માર્ચના રોજ હાથ ધરવામાં આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 10 વર્ષની સજા સામે હાઇકોર્ટમાં અપીલ અરજીમાં કોર્ટે કેસની પેપર બૂક બનાવવાનો આદેશ કરતા બંને આરોપીઓ તરફે જામીન અરજી દાખલ કરાઈ હતી. બંને આરોપીઓએ 7 વર્ષથી વધુ સમય જેલમાં કાઢ્યો હોવાથી કોર્ટના આગામી આદેશ સુધી બંનેના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
હાઇકોર્ટે આરોપીઓના વકીલને પેપર બૂક બનાવી તેને રજિસ્ટ્રી સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી 31મી માર્ચ 2020ના રોજ હાથ ધરવામાં આવશે.આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2009માં અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં હલકી ગુણવત્તાવાળા દારૂને લીધે લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેને લીધે 24 લોકોના મોત અને અસંખ્ય લોકો માંદા પડ્યાં હતાં. પોલીસે આ સમગ્ર કેસની તપાસ કરતા બંને આરોપીઓ સહિત મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2010માં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 2019માં ચૂકાદો આવ્યો હતો અને આ બંને આરોપીઓને 10 - 10 વર્ષની સજા કરવામાં આવી હતી. જ્યારે કેટલાક અન્ય આરોપીઓની સજા પૂરી થઈ ગઈ હોવાથી તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં.