અમદાવાદ: ચોમાસાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં મારે મેઘ ખાંગા જેવી સ્થિતિ બાદ હવે મેઘરાજાને બીજી ઇનિંગમાં ફરી વાર ગુજરાત પર કહેર વરસાવ્યો છે. ચોમાસાના બીજા સપ્તાહમાં શરૂ થયેલા વરસાદે ગુજરાતના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ કરી દીધા છે. ત્યારે હજુ પણ ભારે વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
" ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલા મોન્સૂન સિસ્ટમ સક્રિય છે. જેમાં એક નહીં પણ ત્રણ-ત્રણ સીસ્ટમો સક્રિય થવાને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમોને કારણે ગુજરાતમાં વરસાદ થઇ રહ્યો છે. " - મનોરમા મોહંતી, હવામાન વિભાગના ડિરેક્ટર
224 તાલુકામાં વરસાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરમાં પોણા 5 ઈંચ , તાલાલામાં સવા 4 ઈંચ, વિજાપુરમાં 4 ઈંચ વરસાદ, વેરાવળમાં સાડા 3 ઈંચ, માંડવીમાં 3 ઈંચ વરસાદ, હારીજ, મોરબી, વાંસદામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે હિંમતનગર, ભુજ, સૂત્રાપાડામાં સવા 2 ઈંચ વરસાદ અને ટંકારા, હળવદ, માંગરોળમાં સવા 2 ઈંચ વરસાદ પડ્યો છે. બારડોલી, ઉમરપાડા, ખેરગામ, ડોલવણ, ગાંધીનગર, માળિયા હાટીનામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 46 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં યલો એલર્ટ: અમદાવાદમાં આજે વહેલી સવારથી તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી બનાવો બન્યા છે. તો શહેરમાં રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો પણ અટવાયા હતા. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જીલ્લામાં પણ સર્વત્ર વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ શહેર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો જામનગર જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતને ઘમરોળનાર વરસાદ હજુ પણ આવનારા દિવસોમાં ગુજરાત પર તાંડવ મચાવે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ક્યાં થઈ શકે છે ભારે વરસાદ: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં 9 જુલાઈના રોજ બનાસકાંઠા અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જુલાઈ બાદ વરસાદનું જોર ધીરે ધીરે ઘટી જશે. અને હાલ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની શક્યતા જોવા મળી રહી છે.