અમદાવાદઃ ગાંધીના દારુબંધીવાળા ગુજરાતમાં રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારુબંધી હટાવી દીધી છે. સરકારે ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન ફેસેલિટી શરુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય પર અમદાવાદના વેપારીઓએ પોતાના મત અને પ્રતિક્રિયા આપી છે. જો કે આ પ્રતિસાદ મિશ્ર રહ્યો છે. કેટલાક વેપારીઓના મતે આ નિર્ણય આવકારદાયક છે જ્યારે કેટલાકના મતે ગાંધીના ગુજરાતમાં દારુબંધી એટલે સઘન દારુબંધી જ હોવી જોઈએ.
હું દારુનો વિરોધી છું પણ રાજ્યના વિકાસ માટે રાજ્ય સરકારે કરેલો આ નિર્ણય યોગ્ય છે. સરકારે માત્ર ગિફ્ટ સિટીની અંદર જ દારુને પરવાનગી આપી છે. ગુજરાતના વિકાસમાં સહભાગી બનતા દેશ વિદેશના પ્રતિનિધિઓનું રુટિન અલગ હોય છે. તેથી ગિફટ સિટીમાં તેમના માટે લીકર પરમિશન આપવામાં આવી છે. જો કે અનેક 5 સ્ટાર હોટલમાં દારુની પરવાનગી હોય છે. જ્યારે ગિફ્ટ સિટી તો ગુજરાતનું સિલિકોન વેલી છે તેથી સરકારના આવા નિર્ણયોને બિઝનેસ અને ટૂરિઝમના હિતમાં છે. આ ટૂરિઝમને કારણે સરકારના રેવન્યૂમાં પણ વધારો થશે...રાજકુમાર શ્રીવાસ્તવ(જ્વેલર્સ, અમદાવાદ-પૂર્વ)
રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનનો જે નિર્ણય કર્યો છે તેને હું બિરદાવું છું. આ નિર્ણય ફક્ત ઈન્ટરનેશનલ કંપનીના માલિકો, કર્મચારીઓ માટે જ કરવામાં આવ્યો છે. ગુજરાતની સામાન્ય જનતા માટે વાઈન એન્ડ ડાઈન ફેસેલિટી નથી. તેથી આ યોગ્ય નિર્ણય છે જેનાથી સરકારને ટેક્સની આવક વધે અને અનેક લોકોને રોજગારી પણ મળશે...સમીર શેઠ(સિમેન્ટના ડીલર, અમદાવાદ)
રાજ્ય સરકારે આ નિર્ણય ગિફ્ટ સિટીમાં કાર્યરત એવી ઈન્ટરનેશનલ કંપનીઓને ધ્યાને રાખીને કર્યો છે. ગુજરાતના રહેવાસીઓ માટે આ નિર્ણય નથી તેમજ દારુના વેચાણની પરવાનગી આપી નથી. આ નિર્ણયના બે આયામ છે. પહેલો આયામ ગુજરાત ડ્રાય સ્ટેટ છે તેથી ક્યાંય પણ દારુની પરવાનગી ન હોવી જોઈએ. બીજો આયામ ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ કંપનીઓ કામ કરે છે તેમને જો આ પ્રકારની પરવાનગી નહિ અપાય તો ગુજરાતને ઈકોનોમિકલ લોસ થઈ શકે છે. આ ન થાય તે માટે ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે...માહિર ભાટિયા(મેડિકલ શોપ ઓનર, અમદાવાદ)
આખા વિશ્વમાં ગુજરાત રાજ્ય ગાંધીના રાજ્ય તરીકે ઓળખાય છે. ગુજરાતમાં દારુબંધી છે જેનાથી ખૂબ શાંતિ અને સલામતિ છે. વડા પ્રધાન મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે બહારના પ્રોજેક્ટ અહીં આવે તેના માટે બહુ મહેનત કરી. જો કે ગુજરાતમાં બહારના પ્રોજેક્ટની સંખ્યા બહુ વધી નહીં. ગિફ્ટ સિટીમાં દારુને પરવાનગી આપીને બહારના પ્રોજેક્ટ વધશે તેવું થશે નહીં. તેના કારણે તો ગુજરાતમાં ક્રાઈમ વધશે. હાલ ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ અને વેચાણ વધી રહ્યું છે જે ગાંધીજીનું અપમાન છે...સુનિલ પટેલ(સામાજિક આગેવાન, અમદાવાદ)