અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીએ આજે શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે સોનિયા ગોકાણીને ગુજરાતના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. શપથ લેતા જસ્ટિસ સોનિયા ગોકાણીએ સત્તાવાર રીતે ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનું ચાર્જ સંભાળ્યો છે.
પ્રથમ મહિલા ચીફ જસ્ટિસના શપથ : ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવન ગાંધીનગર ખાતે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણીને ઔપચારિક રીતે શપથ લેવડાવ્યા હતા. આની સાથે જ તેઓ સત્તાવાર રીતે ગુજરાત હાઇકોર્ટના સૌ પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસને સોનિયા ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા.
નવા ચીફ જસ્ટિસનું કામ : મહત્વનું છે કે સોનિયા ગોકાણીને મુખ્ય ન્યાયાધીશ તરીકેની નિમણૂક કેન્દ્ર સરકારે 12 ફેબ્રુઆરીએ જ મંજૂરી આપી દીધી હતી. 13 ફેબ્રુઆરીથી તેઓ ચીફ જસ્ટિસ (નિયુક્ત) તરીકે તેમની ફરજો નિભાવી રહ્યા છે. ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી ગુજરાત હાઇકોર્ટના સૌથી સિનિયર જજ છે. તેઓ 25 ફેબ્રુઆરીએ નિવૃત્ત થવાના છે. ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી તમામ જાહેર હિતની પર કામ કરશે. આ સાથે પર્યાવરણીય મુદ્દાઓ, ટેન્ડરને લગતી અરજીઓ, કાયદાને લગતા બંધારણીય પડકારો અને કરવેરાની બાબતો સહિતની અરજીઓ પર કામ કરશે.
સોનિયા ગોકાણીની ઓળખાણ : ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીની વાત કરવામાં આવે તો, તેમનો જન્મ 26 ફેબ્રુઆરી 1961ના રોજ જામનગરમાં થયો હતો. તેમણે માઇક્રોબાયોલોજીમાં BScનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ LLB અને LLLM પૂર્ણ કર્યું હતું. સોનિયા ગોકાણીએ જામનગરની કે.પી. શાહ લો કોલેજમાં પાર્ટ ટાઈમ તરીકે લેક્ચર તરીકેની પણ સેવા આપી હતી. ત્યારબાદ તેમણે પાંચ વર્ષ સુધી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોર્મના સભ્ય તરીકે સેવા આપી હતી.
સ્પેશિયલ કોર્ટના જજ : 10 જુલાઈ 1995ના રોજ તેઓ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ તરીકે જોડાયા હતા. તેમણે 2003થી 2008 દરમિયાન ગુજરાતના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટના જજ તરીકે પણ સેવા આપી હતી. સોનિયા ગોકાણીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશના સ્પેશિયલ કોર્ટના જજ તરીકે કામ પણ કર્યું હતું.
આ પણ વાંચો : Gujarat High Court: ધારાસભ્યો, સાંસદ સામે કોર્ટમાં પડેલા પડતર કેસમાં ઘટાડો નોંધાયો
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગના રજિસ્ટ્રાર : વર્ષ 2008માં સોનિયા ગોકાણીની ગુજરાત હાઇકોર્ટમાં ભરતી વિભાગ માટે રજીસ્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે દોઢ વર્ષ સુધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગના રજિસ્ટ્રાર તરીકે સેવા આપી હતી. સોનિયાબેનએ ગુજરાત રાજ્ય ન્યાયિક એકેડેમીમાં પણ ભણાવ્યું હતું. 17 ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે તેમની નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 28 જાન્યુઆરી 2013 ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને મળ્યા પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, જાણો કોણ છે આ મહિલા
કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું : ઉલ્લેખનીય છે કે, સોનિયા ગોકાણી ગુજરાત હાઇકોર્ટમાં અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે. જોકે સોનિયા ગોકાણી ફક્ત 15 દિવસ સુધી જ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે. કારણ કે તેઓ 24 ફેબ્રુઆરીના વહી મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદી, રાજ્યના કાયદા ન્યાય પ્રધાન ઋષિકેશ પટેલ ગુજરાત હાઇકોર્ટના જજીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.