અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ પોલીસ કમિશ્નર કચેરીના કંટ્રોલ રૂમ પર ગુરુવારે એક મહિલા પહોંચી હતી. જ્યાં તેણીએ હાજર પોલીસકર્મીઓ સાથે બોલાચાલી થતા જણાવ્યું હતું કે, તે પોતે 2002 બેચની IPS છે અને રાજકોટથી અમદાવાદ આવી છે. ત્યારે એક તબ્બકે તો, પોલીસકર્મીઓએ સાચું માની લીધું હતું, પરંતુ મહિલાની વાતો પરથી શંકા જતા તેનું આઈકાર્ડ માંગવામાં આવ્યું હતું. ત્યારે ફ્રોડ મહિલાએ કહ્યું કે, આ પ્રકારની તમારી પાસે કોઈ સત્તા નથી. અંતે પોલીસકર્મીઓએ માધુપુરા પોલીસને આ અંગે જાણ કરી અને માધુપુરા પોલીસે નકલી મહિલા IPS ની ધરપકડ કરી હતી.
પોલીસે આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ ફ્રોડ મહિલાનું નામ મીનાક્ષી પટેલ છે અને નરોડા ખાતે રહે છે. મહિલાએ શા માટે આ પ્રકારનું વર્તન કર્યુ તે અંગે હજુ સુધી કોઈ પ્રકારની માહિતી મળી નથી, પરંતુ કડક બંદોબસ્ત વચ્ચે પણ મહિલા કંટ્રોલ રૂમ સુધી કઈ રીતે પહોંચી તે અંગે સવાલો ઊભા થઇ રહ્યા છે. એક તરફ સરહદ પર આતંકી હુમલાઓ અને આતંકીઓના ઘૂસવાનો ડર છે, ત્યારે બીજી તરફ શહેરની અંદર જ પોલીસ કમિશ્નર કચેરીમાં મહિલા ઘુસી જાય છે તે અંગે પ્રજામાં પ્રશ્નો ઊભા થાય છે.