અમદાવાદ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ધી ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની સંયુક્ત પેનલ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી ચૂકી છે. આ તમામ ચૂંટણી પ્રક્રિયાઓ અને મતદાનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
ગૌરવ પેનલ : ફાર્મા ગૌરવ પેનલ દ્વારા છ વ્યક્તિને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા. જેમાં તન્મય પટેલ, જીતુલ પટેલ, હસમુખ વાઘેલા, હિતેન્દ્ર પટેલ, સત્યેન પટેલ, ભીખાલાલ ગોયાણીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે અલગ અલગ 22 જેટલા મુદ્દાઓ પર ઘોષણાપત્ર જાહેર કર્યું છે.
ગૌરવ પેનલનું ઘોષણાપત્ર : આ અંગે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન પ્રમુખ જસુ પટેલે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ધી ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની સંયુક્ત પેનલ દ્વારા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં ઘોષણાપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં ફાર્મસીસ્ટનો રેશીઓ વધારે રહે તે માટે પ્રત્યેક પ્રયત્ન કરવામાં આવશે. વિદેશ જવા ઈચ્છુક ફાર્મસીસ્ટની ટ્રેનિંગ અને અનુભવ માટે વિવિધ સેન્ટરો માટે ટાઈઅપ કરી આપવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકારના નિયમ મુજબ ગુજરાતની ફાર્મા કંપનીમાં 85% ગુજરાત રાજ્યના રજીસ્ટર ફાર્મસીસ્ટની ભરતી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. ફાર્મસીસ્ટના પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ઓપન ફોર્મની રચના કરવામાં આવશે.
ABVP અને અમારું એસોસિએશન ઘણા સમયથી કામ કરી રહ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે બીજેપી મેન્ડેડ જાહેર કર્યું. અમારા એસોસિએશનમાં 35 હજાર લોકો સંકળાયેલા હતા. તેમ છતાં કોઈપણ પ્રકારનો સેન્સ લેવાયું નથી. પરંતુ ગેરસમજ થઈ અને પેનલ રદ કરવામાં આવી હતી. અમે ABVP સાથે રહીને ખૂબ જ મજબૂત લડત લડી રહ્યા છીએ અને લડીશું. -- જસુ પટેલ (પ્રમુખ, ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન)
ફાર્મસીસ્ટના પડતર પ્રશ્નો : આ ઉપરાંત ફાર્મસી પ્રોફેશનલ અને ફાર્મસિસ્ટનું મહત્વ સમાજમાં વધે તે માટે અવેરનેસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના હેલ્પ સેન્ટર ઝોન પ્રમાણે ચાલુ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના તમામ રજીસ્ટર ફાર્મસીસ્ટને જીવન વીમો તેમજ એક્સિડન્ટ વીમો આપવામાં આવશે. ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા ફાર્મસીસ્ટને એક છત નીચે લાવી ફાર્મસીસ્ટના હકોનું રક્ષણ કરવામાં આવશે. ઓનલાઈન ફાર્મસી બંધ કરવાના પ્રયત્નો અવિરત ચાલુ રહેશે. તે માટે ઓનલાઇન ફાર્મસી બંધ ન થાય ત્યાં સુધી લડત લડતા રહીશું. સરકારી નોકરીમાં ફાર્મસીસ્ટને લગતા પડતર પ્રશ્નો જેવા કે કેડર, ગ્રેડ પે, NPA આપવામાં માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. નવા વિદ્યાર્થીઓ માટે જોબ ફેરનું આયોજન કરવામાં આવશે.
22 મુદ્દાઓનું ઘોષણાપત્ર : ધંધો કરવા ઈચ્છતા ફાર્મસીસ્ટને યોગ્ય માર્ગદર્શન તેમજ જરૂરી પ્રક્રિયા વિનામૂલ્યે કરી આપવામાં આવશે. ફોરેસ્ટ ઓફિસરમાં ફાર્મસિસ્ટનો સમાવેશ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. સરકારના વિવિધ વિભાગમાં ફાર્મસિસ્ટની ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ભરાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. નવો મેડીકલ સ્ટોર ચાલુ કરવા ફાર્મસિસ્ટ માલિક કે ભાગીદારી હોય તો જ લાયસન્સ મળે તેવા નિયમ બને તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. સેમી ગવર્મેન્ટ હોસ્પિટલમાં નોકરી કરતા ફાર્મસિસ્ટ મિત્રો માટે સરકારી ધારાધોરણ મુજબ પગાર મળે તેની રજૂઆત કરવામાં આવશે. આવા કુલ અલગ અલગ 22 મુદ્દાઓનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું.