અમદાવાદ: ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI દ્વારા દાણચોરીના રેકેટ સામે તેની કાર્યવાહી કરીને અમદાવાદ એરપોર્ટ પરથી સોનુ ઝડપી પાડ્યું છે. DRI અમદાવાદ એરપોર્ટ પરથી ભારતમાં 947 ગ્રામ સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
બાતમીના આધારે કાર્યવાહી: DRI દ્વારા સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ DRI ને ખાનગી માહિતી મળી હતી કે થાઇ સ્માઈલ ફ્લાઈટમાં બેંગકોકથી અમદાવાદ આવી રહેલા બે મુસાફરો અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ સ્ટાફની મદદથી ફોરેન ઓરિજિન સોનાની દાણચોરી કરે તેવી શક્યતા છે. જે માહિતીના આધારે DRI અધિકારીઓએ આ બે મુસાફરોને શોધી પીછો કર્યો હતો.
એરપોર્ટ સ્ટાફની ધરપકડ: બંને મુસાફરોએ ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચે તે પહેલાં દાણચોરી કરાયેલું સોનું એરપોર્ટના એક સ્ટાફને શૌચાલયમાં સોંપ્યું હતું. જે સોનુ તેણે એરપોર્ટ પરથી બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે પહેલાં જ DRI ના અધિકારીઓએ તેને અટકાવ્યો હતો. આ મામલે મળી આવેલા સોનાની કિંમત રૂ. 58 લાખ રૂપિયા થતી હોવાનું ખુલ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં બે મુસાફરો અને એક એરપોર્ટ સ્ટાફની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.
દાણચોરી સામે કાર્યવાહી: DRI દ્વારા સતત ગુજરાતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હાલમાં જ DRI એ સુરત એરપોર્ટ પર પણ 48 કિલોગ્રામ સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સોનાની પેસ્ટમાં એરપોર્ટ પર તૈનાત એક અધિકારી દાણચોરી કરનાર સિન્ડિકેટ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું હતું. આ કેસમાં ઝડપાયેલા મુસાફરો અગાઉ દાણચોરી કરીને સોનું ભારતમાં લાવ્યા છે કે કેમ, તેમજ એરપોર્ટ સ્ટાફ દ્વારા આ પ્રકારે કેટલી વાર દાણચોરીમાં મદદ કરવામાં આવી છે, તે તમામ બાબતોને લઈને DRIએ તપાસ શરૂ કરી છે.