- જૂની મામલતદાર કચેરીનું કમ્પાઉન્ડ દેશી દારૂની કોથળીઓ અને ગંદકીથી ખદબદે
- આ જગ્યાએ આંગણવાડી સેન્ટર છે, નાના ભૂલકાઓનું આરોગ્ય જોખમમાં
- આ બિલ્ડિંગમાં ફર્નિચર, બારી બારણા બધું ચોરાઈ ગયું
અમદાવાદઃ જિલ્લાના માંડલમાં આવેલ જૂની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે અને ગંદકીનું સામ્રાજ્ય છે. અહીંયા આંગણવાડી કેન્દ્ર પણ ચાલતું હતું અને કદાચ કોરોના પછી જો અહીંયા ફરીથી આંગણવાડી ચાલુ કરવામાં આવે તો આ ગંદકી દૂર થશે? આની જવાબદારી કોની?
નાના ભૂલકાઓ જીવનની શરુઆતના પાઠ શીખવાના છે તે સ્થળે જ આવા માહોલથી શરમ જનક સ્થિતિ
માંડલમાં જુદા-જુદા વિસ્તારના ત્રણ આંગણવાડી બિલ્ડીંગ બન્યા હતા અને આંગણવાડી અહીંયા ચાલતી હતી. આ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં લોકો દેશી દારૂની કોથળીઓ નાંખી દેતા હતા. કેટલાક લોકો આ કમ્પાઉન્ડમાં શૌચક્રિયા પણ કરી જાય છે. આ કમ્પાઉન્ડ ગંદકીથી ખદબદે છે.
આંગણવાડી કોરોના કાળ પછી ખુલે તો બાળકો આવતા થાય તો પરિસ્થિતિ ચિંતાનો વિષય
આ કમ્પાઉન્ડ અત્યારે દેશી દારૂની કોથળીઓ અને ગંદકીથી ખદબદી રહ્યું છે. આંગણવાડીમાં જતા બાળકોનું આરોગ્ય પણ જોખમમાં છે. અત્યારે આંગણવાડીમાં બાળકો આવતા નથી, કદાચ નજીકના ભવિષ્યમાં બાળકો આવતા થાય તો ચિંતાનો વિષય છે. તંત્રએ સક્રિય થઈ આ સમસ્યા માટે યોગ્ય પગલા લેવા જોઈએ.
નાના બાળકોનું જીવન પણ જોખમમાં
કોરોના કાળ પછી કદાચ આ આંગણવાડી શરૂ થશે તો આંગણવાડીમાં આવતા નાના બાળકોનું જીવન પણ જોખમમાં છે, તો શું આંગણવાડી શરૂ કરે તે પહેલા આ ગંદકી દૂર થઈ જશે તે તો આવનારો સમય જ બતાવશે.